રક્ષા બંધન પર્વને અનુલક્ષી ગઈકાલથી એસટી બસોમાં ચિક્કાર ગીરદી જાેવા મળી હતી.
ભાવનગર ડિવિઝન દ્વારા ૨૦ બસ એક્સ્ટ્રા દોડાવાનું આયોજન કરાયું હતું. ગત સાંજે લોકલ અને એકસપ્રેસ બંને રૂટની બસો ભરચક થઈને દોડતી જાેવા મળેલ. હજુ આવતી કાલે પણ ટ્રાફિક રહેવા સંભવ છે. આ ઉપરાંત સાતમ આઠમના તહેવારોમાં પણ ટ્રાફિક રહેવાની પૂર્ણ સંભાવના છે આથી એસટી કર્મીઓને ૧૦૦% હાજરી માટે સૂચના અપાઈ છે.
ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા રક્ષાબંધન, સાતમ-આઠમની શ્રાવણી પર્વમાળાના ધ્યાનમાં રાખી મુસાફરોની સુવિધા માટે ૬૦ જેટલી એકસ્ટ્રા બસના સંચાલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકસ્ટ્રા સંચાલન રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા સહિતના રૂટ પર જ્યાં મુસાફરોનો ધસારો વધુ રહેશે ત્યાં કરાશે.
રક્ષાબંધન અને સાતમ-આઠમના તહેવારોની ઉજવણી લોકો માદરે વતન કરતા હોય છે. જેના કારણે તહેવારોના સમયમાં ભાવનગર જિલ્લામાં આવવા અને અહીંથી અન્ય જિલ્લામાં જવા માટે લોકોનો ધસારો વધુ રહેતો હોવાથી ભાવનગર એસ.ટી. વિભાગ દ્વારા શ્રાવણી પર્વમાળાને અનુલક્ષી મુસાફરોને બસની સુવિધા મળી રહે તે માટે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે.
વિભાગીય નિયામક એ.કે. પરમારે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, રક્ષાબંધનના તહેવારને લઈ ભાવનગર એસ.ટી.એ ૨૦ બસ તેમજ આગામી સાતમ-આઠમના તહેવારમાં ૪૦ જેટલી એકસ્ટ્રા બસ દોડાવા આયોજન કર્યું છે, આ તમામ એકસ્ટ્રા બસો રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, મહુવા સહિતના રૂટ પર જ્યાં ટ્રાફિક વધુ હોય ત્યાં દોડાવાશે. વધુમાં શહેરમાં આવેલા તમામ પીકઅપ પોઈન્ટ પર કલેરીકલ સ્ટાફને સવાર-સાંજ ફરજ સોંપવામાં આવી છે. જેથી લોકોએ ખાનગી વાહનોની સાપેક્ષમાં ઓછા ભાડા સાથે સલામતી સવારી કરાવતી એસ.ટી. બસની સુવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો છે.