કેરળ પોલીસે હેલ્મેટ પર કેમેરાનો ઉપયોગ કરનારા રાઇડર્સ સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી છે. એક આંતરિક પરિપત્રમાં ખુલાસો થયો છે કે જો કોઈ રાઇડર્સના હેલ્મેટમાં કેમેરા લગાવેલા જોવા મળે તો તેને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સિવાય તમારું લાયસન્સ ત્રણ મહિના માટે કેન્સલ પણ થઈ શકે છે. તેથી ત્યાંના તમામ વ્લોગર્સ તેમની બાઇકના ફેરિંગ અથવા રાઇડિંગ ગિયર પર કેમેરા ફીટ કરી શકે છે, પરંતુ તેઓ આ કામ તેમના પોતાના જોખમે પણ કરશે.
કેરળના મોટર વ્હીકલ વિભાગે ગયા વર્ષે પણ આવું જ કંઈક કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે બાઇકર્સની રેસિંગ, સ્ટંટ અને અન્ય અસામાજિક પ્રવૃતિઓને રોકવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વખતે વિભાગે સાવ નવું કારણ આપ્યું છે, વાહન વિભાગના મતે હેલ્મેટ પર કેમેરા લગાવવાથી તેની સુરક્ષા માટે ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં હેલ્મેટ પર લાગેલો કેમેરો અકસ્માત સમયે સવાર માટે ખતરો બની શકે છે.