સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા એકાદ અઠવાડિયાથી હળવો ભારે વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લામાં મહુવા, ગારીયાધાર, અને ઉમરાળા પંથકમાં લગભગ એક અઠવાડિયાથી દરરોજ હળવો ભારે વરસાદ આવી રહ્યો છે મહુવા પંથકમાં ગઈકાલે મંગળવારે મેઘરાજા રીજ્યા હતા અને વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો ભાવનગર જિલ્લામાં શરૂઆતથી જ મહુવા પંથક પર મેઘરાજા ઓળઘોળ રહ્યા છે પરિણામે આજ દિવસ સુધીમાં મહુવા પંથકમા સીઝનનો સો ટકા વરસાદ વટાવી ૧૦૭ ટકા સુધી થઈ જવા પામ્યો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આપેલી આગાહીના પગલે છેલ્લા એકાદ સપ્તાહથી ભાવનગર શહેર અને જિલ્લામાં વધતો ઓછો વરસાદ પડી રહ્યો છે ભાવનગર જિલ્લામાં ગઈકાલે મંગળવારે મહુવા પંથકમાં ધોધમાર દોઢ ઇચ વરસાદ પડ્યો હતો જ્યારે ગારીયાધાર પંથકમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો આ ઉપરાંત વલભીપુર અને ઉમરાળા પંથકમાં એક એક ઈંચ વરસાદ પડ્યો હતો જ્યારે જિલ્લાના જેસર, તળાજા, ઘોઘા અને ભાવનગર શહેર તથા સિહોર પંથકમાં અડધા ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો પાલીતાણા પંથકમાં જાેરદાર ઝાપટા પડ્યા હતા.
મહુવા પંથકમાં પડેલા વરસાદથી ગાંધીબાગ સહિતના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા જ્યારે ભાવનગર શહેરમાં પણ ગઈકાલે બપોર બાદ શરૂ થયેલા વરસાદના કારણે લોકો બહાર નીકળી ન શકે તેવી પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યું હતું આજે સવારે પણ વરસાદી માહોલ વચ્ચે વરસાદના હળવા ઝાપટા પડ્યા હતા આમ ભાવનગર શહેરમાં દિવસભર પડી રહેલા હળવા ઝાપટાથી લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે આગામી સાતમ આઠમના તહેવારમાં પણ વરસાદ વિઘ્ન બનશે તેવું આગાહી પરથી માની શકાય છે.