ભાવનગરમાં જન્માષ્ટમીના મેળાનું આયોજન ધારાસભ્ય વિભાવરીબેન દવેના પ્રેરણાથી થઈ રહ્યું છે. કોરોનાના સમયે બે વર્ષથી આવું આયોજન થઈ શક્યું નહીં. હવે કોરોનાના નિયમોમાંથી મુકિત બાદ પહેલું જન્માષ્ટમી પર્વ છે ત્યારે કૃષ્ણ જન્માષ્ટમી મેળાનું આયોજન કરાયું છે. શ્રાવણ મહિનાની છઠ્ઠ સાતમ અને આઠમ એટલે ઓગસ્ટ મહિનાની ૧૭, ૧૮ અને ૧૯ ત્રણ દિવસ વિવિધ કાર્યક્રમો રહેશે. આજે ગુજરાતના ખ્યાતનામ કલાકાર જીગ્નેશ કવિરાજ, તા.૧૮ મીએ ગુજરાતના ખ્યાતનામ ગાયિકા ગીતાબેન રબારી, તારીખ ૧૯મીએ સંગીતકાર એ આર રહેમાન સહિતના મ્યુઝિકમાં ગીતો ગાનાર કલાકાર કીર્તિ સાગઠિયા લોકોને ડોલાવશે.
રેડક્રોસમાં નોંધાયે થેલેસીમિયા રોગના ૧૨૦ બાળકો, કિડની ફેઇલ હોય તેવા ૪૦ જેટલા બાળકો અને હિમોફિલિયા રોગના ૮૦ જેટલા બાળકો મળીને કુલ ૨૪૦ જેટલા ગંભીર રોગગ્રસ્ત બાળકોને મેળાના રાઈડ ચકડોળના ફ્રી પાસ આપ્યા છે. જવાહર મેદાનમાં વિશાળ જગ્યામાં આયોજન કરાયું છે, જેમાં વિવિધ સ્ટોલ ખાણી પીણી સહિતના સ્ટોલ હશે. ૧૦થી વધુ ઝમ્બો રાઇડ મીડીયમ અને મીની રાઇડ રહેશે જેમાં ૨.૫થી ૫ વર્ષના બાળકો માટે ૬ થી ૭ વિવિધ રાઇઝ હશે તો ૫ થી ૧૪ વર્ષના બાળકો માટે અલગ ૬ થી ૭ રાઇઝ રહેશે. મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ વિશાલ રંગમંચ લાઈટ સાઉન્ડ પણ ઉચ્ચ ક્વોલિટીના હોય રોશની લાઇટિંગથી ઝગમગાટ પણ આકર્ષણ ઉભું કર્યુ છે. આ મેળાની અંદર પ્રવેશ નિશુલ્ક છે અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ બધાને માણવા માટે હોય છે કોઈ ફી હોતી નથી. આ મેળાનો ૭૫૦૦૦ ચોરસ મીટરનો કુલ એરિયા છે જેમાંથી રંગારંગ કાર્યક્રમ માટે લગભગ સાતેક હજાર ચોરસ મીટરની જગ્યાનો ઉપયોગ કરવામાં આવશે.
મુખ્યમંત્રી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી, ગૃહમંત્રી, શિક્ષણ મંત્રી અને વન મંત્રી વિગેરે ઉપસ્થિત રહેશે
આ ત્રણ દિવસ દરમ્યાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્ર સરકારના મંત્રી મનસુખભાઇ માંડવીયા, શિક્ષણ મંત્રી જીતુભાઇ વઘાણી, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, પ્રભારી મંત્રી કિરીતસિંહજી રાણા, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રી સૌરાષ્ટ્રના પ્રભારી વિનોદભાઈ ચાવડા વિગેરે ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.