જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી હૃદેશ કુમારે કહ્યું કે, ‘જે બિન-કાશ્મીરી લોકો રાજ્ય (કાશ્મીર) માં રહે છે તેઓ પોતાનું નામ વોટર લિસ્ટ (મતદાર યાદી) માં સામેલ કરાવીને મતદાન કરી શકે છે. એ માટે તેઓને સરનામાના પુરાવાની જરૂર નથી. માત્ર એટલું જ નહીં તેઓએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા માટે તૈનાત સુરક્ષાદળોના જવાન પણ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે છે.
હૃદેશ કુમારે બુધવારના જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં આ વખતે અંદાજે 25 લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થવાની આશા સેવાઇ રહી છે. તેઓએ જણાવ્યું કે, કર્મચારી, વિદ્યાર્થી, મજૂરવર્ગ અને અન્ય કોઇ પણ બિન કાશ્મીરી કે જે કાશ્મીરની અંદર રહી રહ્યાં છે તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. તેઓએ જણાવ્યું કે, મતદાર યાદીમાં નામ સામેલ કરાવવા માટે કોઇ પણ પ્રકારના સ્થાનિક નિવાસ પ્રમાણપત્રની જરૂર નથી. એ સિવાય જમ્મુ-કાશ્મીરમાં તૈનાત જવાન પણ મતદાર યાદીમાં પોતાનું નામ સામેલ કરાવી શકે છે.
હૃદેશ કુમારે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર કલમ 370 નાબૂદ થયા બાદ પ્રથમ વખત મતદાર યાદીમાં વિશેષ સુધારો કરવામાં આવી રહ્યો છે. ત્યારે આવી પરિસ્થિતિમાં આ વખતે મોટો ફેરફાર થવાની શક્યતા દેખાઇ રહી છે. માત્ર એટલું જ નહીં ત્રણ વર્ષમાં મોટી સંખ્યામાં યુવાનો 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના થઇ ગયા છે.