કૃષ્ણભક્તિ સાથે આનંદ ઉલ્લાસના પર્વ સાતમ આઠમમાં આ વર્ષે કોરોનાનું વિઘ્ન હટયું છે ત્યારે ખરી રંગત જાેવા મળી રહી છે. ગઈકાલે રાંધણ છઠ્ઠ ઉજવ્યા બાદ આજે ગોહિલવાડમાં લોકોએ ગઈકાલે બનાવેલા ઢેબરાની સાથે રાયતું ખાવાની મજા માણી ટાઢી સાતમ મનાવી હતી. મહિલા વર્ગએ શીતળા માતાનું પૂજન કરી પરંપરાગત ઉજવણી કરી હતી.
ભાવનગરમાં ઘોઘારોડ પર શીતળા માતાજીના પ્રસિદ્ધ સ્થાનકે આજે ભવ્ય ભાતીગળ મેળો ભરાયો હતો. જેમાં મુવિંગ દ્રશ્યો, આકર્ષક ફ્લોટો વિશેષ રહ્યા હતા, મેળામાં વ્યવસ્થા જાળવવા કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવ્યો હતો.
વહેલી સવારથી જ મહિલાઓ સમેત, અબાલ, વૃદ્ધ અને બાળકો મેળામાં ઉમટી પડ્યા હતા. ડુંગડુગીયા સહિતના રમકડાવાળાઓએ મેળાનો અદ્દલ માહોલ સર્જ્યો હતો.
હિન્દુ પંચાગ મુજબ શ્રાવણ વદ સાતમે શિતળા સાતમના પર્વની ભાવનગર શહેર અને જિલ્લાભરમાં પરંપરાગત રીતે ભકિતભાવપૂર્વક ઉજવણી બાદ હવે કાલે ભગવાન કૃષ્ણના જન્મોત્સવના હરખભેર વધામણા કરાશે અને ભાવેણા સહિત સમગ્ર ગોહિલવાડ કૃષ્ણભકિતના રંગે રંગાઈ જશે.
કોરોનાને લઈને બે વર્ષના બ્રેક બાદ આ વર્ષે સાતમ આઠમનો લોકમેળો યોજાતા ભાવિકોમાં ઉત્સાહ બેવડાયો છે. શીતળા સાતમ મહોત્સવ સેવા સમિતિ દ્વારા આયોજિત આ લોકમેળાને અનુલક્ષીને બાળકોના મનોરંજન માટેના અનેક નાના મોટા ચકડોળ, નાની મોટી રાઈડઝ, રમકડાના સ્ટોલ આકર્ષણ જમાવ્યુ હતું. મોડી સાંજ સુધી માતાજીના દર્શનાર્થે શ્રધ્ધાળુઓ ઉમટી પડશે.