ભાવનગર શહેર અને જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન જાણે કે જુગારની મૌસમ ખીલી હોય તેમ ઠેર-ઠેર જુગારના દરોડા પાડતા પોલીસ દ્વારા અનેક જુગારીઓને ઝડપી લીધા છે. ગત મોડી રાત્રીના ઘોઘારોડ પોલીસને મળેલી પૂર્વ બાતમીના આધારે શહેરના સુભાષનગર સ્થિત પીપલ્સ સોસાયટીના રહેણાંકી મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી રોકડ સહિતનો પોણા બે લાખના મુદ્દામાલ સાથે ૮ શખ્સોને ઝડપી લીધા હતાં.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ઘોઘારોડ પોલીસે ગત રાત્રીના પૂર્વ બાતમીના આધારે સુભાષનગર પિપલ્સ સોસાયટીના પ્લોટ નં.૧૫૩-એ નરેશ રાણાભાઇ વાઘોસીના રહેણાંકી મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડતા ૮ શખ્સો ઘરમાં પતરાની ઓરડીમાં જુગાર રમતા રંગેહાથ મળી આવેલ જેમાં પોલીસે મકાન માલિક નરેશ રાણાભાઇ વાઘોશી, જગદિશ મોતીભાઇ પોતાસર, દિલીપસિંહ ભાવસિંહ પરમાર, મયુર બિપીનભાઇ પરમાર, જયરાજસિંહ ભરતસિંહ બારડ, દેવાયત નારણભાઇ વાઘોશી, ભરત જીણાભાઇ ચૌહાણ તથા નરેશ ગંભુભાઇ મકવાણાની રોકડ રૂા.૯૨,૫૦૦ તથા ૧૦ મોબાઇલ ૮૧,૫૦૦ મળી કુલ રૂા.૧,૭૪,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી ઘોઘારોડ પો.સ્ટે.માં ગુનો નોંધી લોકઅપ હવાલે કર્યાં હતાં.