જન્માષ્ટમી પર્વે ભાવનગર પશ્ચિમની જુદી- જુદી છ જગ્યાઓ પર દહીં- હાંડી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉત્સવમાં મુંબઇના ‘વક્રતુંડ ગોવિંદા પથક’ના એક સો પચાસ (૧૫૦) ગોવિંદાની ટીમે ઢોલ નગારા ડી.જે સાથે પાંચ માળ ઊંચી મટકી ફોડી હતી.
શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે નંદોત્સવ સમિતિ, ભાવનગર દ્વારા આયોજિત કાર્યક્રમમાં પશ્ચિમ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં આયોજિત ‘દહી હાંડી’ ઉત્સવમાં ઉપસ્થિત રહ્યાં હતાં અને અને ગોવિંદાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
તેમણે જણાવ્યું કે, આજે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના વિકાસ માટે સીધી જ ગ્રાન્ટ મળે છે જેને લીધે નાની સોસાયટીઓથી માંડીને મોટી સોસાયટીઓ અને ગલી, ખાંચા સુધી રોડ, રસ્તા, વીજળી, ગટર લાઈન સહિતની સુવિધાઓ સામાન્યથી મધ્યમ વર્ગના લોકો માટે પણ ઉપલબ્ધ બની છે.
મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, “કાળિયાબીડમાં મધ્યમવર્ગીય રહેવાસીઓ વસે છે. આજે કાળિયાબીડ ભાવનગરનો નમૂનારૂપ વિસ્તાર બન્યો છે. તખ્તેશ્વર થી માંડીને બોરતળાવ સુધી વિકાસ જ વિકાસ જોવાં મળી રહ્યો છે.
જન્માષ્ટમીના આ સુંદર અવસરે જ્યારે દહીં-હાંડી આપણે દર વખતે મુંબઈમાં મોટા પાયે થતી નિહાળીએ છીએ ત્યારે તે આજે બે વર્ષના કપરાં કોરોના કાળ પછી ભાવનગરમાં જોવાં મળી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આનંદીબહેન પટેલની અધ્યક્ષતામાં રૂ.૧૪ કરોડના ખર્ચે ખાસ કિસ્સામાં વિકાસ કામોને મંજૂરી ભૂતકાળમાં આપવામાં આવી હતી. ત્યારે આજે તેનું પરિણામ આપણી સમક્ષ આપણે જોઈ શકીએ છીએ.મંત્રીએ આજે કાળીયાબીડ, શીતળા માં ના મંદિર પાછળ, કુંભારવાડા,હાદાનગર, ફુલસર અને બોર તળાવ વિસ્તારમાં દહીં – હાંડી મહોત્સવમાં સહભાગી થઈ ભાવેણાવાસીઓનો ઉત્સાહ વધાર્યો હતો.જન્માષ્ટમી પર્વે ગોહિલવાડને કાનઘેલું કરવાં મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાંથી ૧૫૦ ગોવિંદાઓ આજે દહીં-હાંડી માટે ભાવનગર આવી પહોંચ્યા હતાં અને મટકી ફોડી અને ભાવેણાવાસીઓને કાનઘેલા કર્યાં હતાં.
શહેરના કાળીયાબીડ વિસ્તારથી લઈને સંસ્કાર મંડળ-નિલમબાગ જેવાં જુદા -જુદા સ્થળો પર બે ઉંચી ક્રેઇન વચ્ચે ૪૦ ફૂટની ઉચાઇ પર મટકીઓ લગાવી અને “આનંદ ઉમંગ સાથે “નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી”” ના નાદ સાથે ભક્તિમય વાતાવરણમાં ગોવિંદાઓ મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી.
જ્યારે ગુજરાતની શાન સમા રાસ-ગરબાની બહેનોએ રમઝટ બોલાવી હતી. તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકરો,હોદ્દેદારો અને પ્રજાજનો દહીં હાંડી કાર્યક્રમમાં જોડાયાં હતાં. જન્માષ્ટમીના આ પાવન અવસરે ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ અને ‘દ્વારિકામાં કોણ છે, રાજા રણછોડ છે’ ના નાદ સાથે કેબિનેટ મંત્રી જિતુભાઈ વાઘાણીએ દરેક ઉપસ્થિત વ્યક્તિના હૃદયમાં જન્માષ્ટમીની લાગણી ભરી દીધી હતી.
વૃંદાવને કૃષ્ણને જેમ વધાવ્યાં હતાં. તે જ રીતે કોરોના કાળ પછી ભાવનગર જિલ્લામાં પણ રહેવાસીઓએ દહીં-હાંડી ફોડીને ‘જય કનૈયાલાલના નાદ’ સાથે કૃષ્ણની ભાવનગરમાં વધામણી કરી હતી. નાનાં- નાનાં ભૂલકાઓ કિરમજી રંગના કપડાં પહેરીને ક્રિશ્ન બન્યાં હતાં તથા નાની કુંવારીકાઓએ ગોપીઓ બનીને આ પ્રસંગને વધુ જીવંત બનાવી દીધો હતો.
આ ઉજવણી અવસર ડેપ્યુટી મેયર કુમાર શાહ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરૂભાઈ ધામેલીયા, શહેર ભા.જ.પા. પ્રમુખ રાજીવભાઈ પંડ્યા, સ્થાનિક નગરસેવકો, સહિતનાં પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ તેમજ નગરવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.