રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આઝાદીનો રક્ત નિતરતો હૃદયસ્પર્શી ઇતિહાસ રજુ કરતો ગુજરાતનો સૌપ્રથમ મેગા મ્યુઝિકલ ડ્રામા “વીરાંજલિ 25 ઓગસ્ટે ભાવનગર યુનિવર્સિટી પેડેક ગ્રાઉન્ડ ખાતે સાંજે ૮થી ૧૦ યોજાશે.
આ માત્ર ડ્રામા નથી પરંતુ એક એક્સપીરીયન્સ છે. ઉપસ્થિત પ્રત્યેક શ્રોતાને હૃદયથી ભીંજવે અને આજના યુવાનને દેશભક્તિની સાચી દિશા ચીંધે છે. આપણી દેશભક્તિ ક્યાંકને ક્યાંક સીઝનલ થઇ રહી છે. વતન માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર વીરોનાં બલિદાનને ગુજરાતના ઘરઘરમાં ગુંજતા કરવાના આશયથી આ ‘વીરાંજલિ’ મલ્ટી મીડિયા શોનું આયોજન થયેલ છે. યુવાનોને ગમે અને ગળે ઉતરે એવી શૈલીમાં અત્યાધુનિક સ્ટેજ અને સ્ક્રીન પ્લે સાથેનો, વીરાંજલિ સમિતિ પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત આ વીરાંજલિ કાર્યક્રમ ગુજરાતના વિવિધ શહેરોમાં રજૂ થાય છે. દેશ માટે ફાંસીના તખ્તા પર ચડનારા ભગતસિંહ – સુખદેવ અને રાજ્યગુરુના જીવન અને કવનને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાંઈરામ દવેએ લખ્યું છે. દેશભકિતના ગીતો સાથે રજુ થનાર ગુજરાતનો સૌથી મોટો મલ્ટી મીડિયા શો છે અને ભાવનગરમાં પ્રથમવાર રજૂ થશે.
વીરાંજલી કાર્યક્રમમાં નાટક સ્વરૂપે દેશભક્તિ અને અવનવા દેશભક્તિના ગીતો સાથે મલ્ટી મીડિયા શો રજૂ કરવામાં આવશે. ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ તેમજ રાજયગુરુના જીવનની ઝાંખી બતાવવામાં આવશે. આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભકિત ગીતોની રચના કરાય છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી તથા ભૌમિક શાહે સ્વર આપ્યો છે. તેમજ રાહુલ મુંજારીયા એ એકદમ ફ્યુઝન સાઉન્ડ ટ્રેક પર સંગીતબદ્ધ કર્યા છે. ‘વીરાંજલિ’ ડ્રામાને દિગ્દર્શક વિરલ રાચ્છે ડિરેક્ટ કર્યું છે તથા અંકુર પઠાણે કોરિયોગ્રાફી કરેલ છે. સમગ્ર ઇવેન્ટ ધ વિઝ્યુલાઇઝરના સી.ઇ.ઓ. જીતેન્દ્ર બાંધણીયા દ્વારા કોઓર્ડીનેટ કરવામાં આવી છે. સાંઇરામ દવેએ સમગ્ર સ્ક્રીપ્ટ લખી છે તથા તેઓ સૌ પ્રથમવાર આ ડ્રામામાં અભિનય કરી રહ્યા છે. ‘વીરાંજલિ” રાષ્ટ્રભાવનાને ઉજાગર કરવાના ઉમદા હેતુથી યુવાનો માટે સવિશેષ રૂપે તૈયાર કરેલ ડ્રામા છે.
આ કાર્યક્રમ તદ્દન નિ:શુલ્ક છે અને જાહેર આમંત્રણ છે. રેતીમાં ગર્ત થયેલા ક્રાંતિવીરોની કેટલીય સાવ અજાણી દિલધડક વાતો માણવા માટે તૈયાર રહેજો. વધુ વિગત માટે www.viranjali.com વેબસાઇટ પર મુલાકાત લઈ શકો છો.