રાજ્યમાં વરસાદી માહોલ જામતા ગુજરાતનો જીવાદોરી સમાન નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. હાલ ડેમની જળસપાટી મહત્તમ સપાટીથી 2.68 મીટર જ દૂર છે. ડેમમાં 1.62 લાખ ક્યુસેક પાણીની આવક થવા પામી છે. ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે. 1 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
નર્મદા ડેમમાં પાણીની આવક વધતા રિવર બેડ પાવર હાઉસના 6 વીજમથક ચાલુ કરાયા છે. પાવરહાઉસમાંથી 44 હજાર 199 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. હાલ કેનાલમાં 17 હજાર 859 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નર્મદા ડેમમાં 4 હજાર 921 MCM લાઇવ પાણીનો જથ્થો નોંધાયો છે.
ગુજરાતમાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો. તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. પરિણામે ડેમો અને જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સારા વરસાદને કારણે ગુજરાત પરથી જળસંકટ દૂર થયુ છે. પીવાના પાણીની તંગી હવે નહી સર્જાય. કારણ કે આ વર્ષે રાજ્યમાં સિઝનનો 97.59 ટકા વરસાદ થવા પામ્યો છે.
રાજ્યના કુલ 207 ડેમમાં 80.87 ટકા જળસંગ્રહ થવા પામ્યો છે. અત્યાર સુધી 55 ડેમો ઓવરફ્લો થયા. જ્યારે રાજ્યના 120 ડેમો હાઇએલર્ટ પર છે. 87 ડેમમાં પાણીનો જળસંગ્રહ 90 ટકા છે જ્યારે 16 ડેમમાં જળસંગ્રહ 80થી 90 ટકા છે.