ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઇ નથી પરંતુ પ્રચાર-પ્રસારનો માહોલ અત્યારથી જ શરૂ થઇ ચુક્યો છે. ગુજરાતમાં પોતાની પક્કડ મજબુત કરવા આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નક્કી કરી લીધુ છે અને તેઓ સમયાંતરે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આવતીકાલે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા તથા સંગઠનની ટીમ ભાવનગર આવી રહી છે. શહેરના સરદારનગર સ્થિત મેઘાણી ઓડીટોરિયમ ખાતે સંમેલન કરશે. આ કાર્યક્રમમાં ખાસ કરીને ગુજરાતમાં બેરોજગારીનો મુદ્દો હાથ પર લેવાશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ ગત મહિને જ કેજરીવાલ ભાવનગર આવીને ગયા ત્યાં બીજા જ મહિને તેમનો આ બીજાે પ્રવાસ ગોઠવાયો છે.
આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલના ભાવનગરના પ્રવાસ અંગે આમ આદમી પાર્ટી દ્વારા આજે સત્તાવાર રીતે જાહેરાત કરાઇ છે. પાર્ટી દ્વારા જણાવાયા અનુસાર તા.૨૩ને મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા તથા ગુજરાત સંગઠનના નેતાઓ ભાવનગરની મુલાકાત લેશે. શહેરના સરદારનગર સ્થિત ઝવેરચંદ મેઘાણી ઓડીટોરિયમ હોલમાં બપોરે ૧ વાગ્યે સંમેલન યોજાશે જેમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહી ગુજરાતમાં બેરોજગારી તથા સરકારી નોકરી ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ-ભ્રષ્ટાચાર અને પેપર ફુટવા જેવી ઘટનાઓ મુદ્દે તડાપીટ બોલાવશે. અરવિંદ કેજરીવાલ બપોરે ૧૨ કલાકે હવાઇ માર્ગે ભાવનગર આવી પહોંચશે અને ૪ કલાકનું રોકાણ કરી તેઓ સાંજે ૪ કલાકે હવાઇ માર્ગે પરત જવા રવાના થશે.
ઉલ્લેખનીય છે કે, ગત ૨૬ જુલાઇના બોટાદ-બરવાળામાં થયેલ કેમિકલ કાંડને લઇને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ભાવનગર દોડી આવ્યા હતા અને દારૂબંધીના કાયદાને લઇને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં ત્યાં મહિનાની અંદર જ બીજીવાર તેમનો ભાવનગરનો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીના ભાવનગરના પ્રમુખ મહિપાલસિંહ ઝાલાએ અરવિંદ કેજરીવાલનો આવતીકાલનો કાર્યક્રમ કન્ફર્મ હોવાનું જણાવ્યું હતું.