ભાવનગર કોર્પોરેશનની કઠણાઇ બેઠી હોય તેમ કમિશનર સહિતના અધિકારીઓ વગર જ છ મહિનાથી ગાડુ ગબડાવાઇ રહ્યું છે. અધુરામાં પુરૂ ડે.કમિશનર-એડમીનની પણ બદલી થતા રાજ્ય સરકાર નિયુક્ત એકમાત્ર અધિકારી પણ ચાલ્યા ગયા છે ત્યારે સ્થાનિક મહાપાલિકા તંત્ર દ્વારા હવે ઘરમેળે જ બધુ ચલાવવાનું છે તે વાત સમજી લઇ આજે જુદા જુદા ત્રણ વિભાગના અધિકારીઓને ડે.કમિશનર-એડમીન, ડે.કમિશનર જનરલ અને સિટી એન્જિનીયરનો ચાર્જ સુપ્રત કરાયો છે.
મ્યુ. કમિશનર ઇન્ચાર્જએ આજે એક હુકમ કરીને બિલ્ડીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર બી.એમ. અડવાણીને નાયબ કમિશનર-એડમીનનો, ફિલ્ટર વિભાગના કાર્યપાલક ઇજનેર જે.એમ. સોમપુરાને નાયબ કમિશનર-જનરલનો અને ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.જે. ચુડાસમાને સિટી એન્જિનીયરનો વધારાનો ચાર્જ સોંપ્યો છે. ત્રણેય ખાતા અધિકારીઓને વધારાનો ચાર્જ તાત્કાલીક સંભાળી લેવા જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે, સિટી એન્જિનીયરનો ચાર્જ સોંપવાને લઇને લાંબા સમયથી કોકડું ગુચવાયેલું હતું પરંતુ આખરે ઇન્ચાર્જ મ્યુ. કમિશનર નિરગુડેએ ડે.કમિશનરો સાથે સિટી એન્જિનીયરનો ચાર્જ પણ સુપ્રત કરી હાલ આ પ્રકરણ પુરૂ કર્યું છે !