સિહોર તાલુકાના વળાવડ ગામમાં પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે દલિત સમાજના બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ થતા આઠ વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી પ્રાથમિક વિગતો મુજબ સિહોર તાલુકાના વળાવડ ગામમાં દલિત સમાજના બે જૂથ વચ્ચે પાણી ઢોળવા જેવી સામાન્ય બાબતે સશસ્ત્ર મારા મારી થતા આઠ જેટલા વ્યક્તિને નાની મોટી ઈજા થઈ હતી જેમને પ્રથમ શિહોરની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અથડામણનીની આ ઘટનામાં જગદીશભાઈ રાઘુભાઈ ખીમસુરીયા (ઉ.વ. ૩૫) ને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. આ ઉપરાંત જેરામભાઈ રાઘવભાઈ ખીમસુરીયા (ઉ.વ.૪૦) રાઘવભાઈ નારણભાઈ (ઉ.વ.૬૫) તેમજ સામા પક્ષે હિંમતભાઈ દેવાભાઈ મકવાણા (ઉ.વ.૫૩) લક્ષ્મીબેન હિંમતભાઈ મકવાણા (ઉ.વ. ૫૨) બાબુભાઈ હિંમતભાઈ મકવાણા (ઉ.વ.૨૭) ગોવિંદભાઈ હિંમતભાઈ (ઉ.વ.૨૬) ને નાની મોટી ઈજા થઈ હોવાનું જાણવા મળેલ છે.
મારમારીની આ ઘટનાના પગલે સિહોર પોલીસ કાફલો દોડી ગયો હતો અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.