ભાજપના સસ્પેન્ડ પ્રવક્તા નુપુર શર્માનો મામલો હજુ પૂરો થયો નથી કે તેલંગાણામાં ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહની વિવાદાસ્પદ ટિપ્પણી પણ સામે આવી છે. આરોપ છે કે ભાજપના ધારાસભ્યએ પયગંબર મોહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરી છે. આ પછી રોષે ભરાયેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકોએ ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ પ્રદર્શન કર્યું અને તેમની ધરપકડની માંગ કરી.
પોલીસે જણાવ્યું હતું કે, પયગંબર મુહમ્મદ વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી બાદ ભાજપના ધારાસભ્ય ટી રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ડીસીપી પી સાઈ ચૌતન્યાએ જણાવ્યું કે, ગઈકાલે રાત્રે દક્ષિણ ઝોનની ડીસીપી ઓફિસમાં મોટી સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
રાજા સિંહ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની સામે કલમ 295 (A), 153 (A) અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. હૈદરાબાદના ડીસીપી સાઉથ ઝોન પી સાઈ ચૈતન્યએ આ જાણકારી આપી છે. બીજી તરફ રાજા સિંહના નિવેદન સામે મુસ્લિમ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં પણ લીધા છે.