રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પરિવારમાં વધુ એક દુઃખદ ઘટના બની છે. થોડા દિવસો પૂર્વે જ મેઘાણીના મોટા પુત્ર મહેન્દ્રભાઇનું અવસાન થયું હતું અને આજે વહેલી સવારે ઝવેરચંદ મેઘાણીના સૌથી નાના પુત્રી મુરલીબેન મેઘાણીનું અવસાન થયું છે. ૭૮ વર્ષીય મુરલીબેનને ઉંઘમાં જ હૃદયરોગનો હુમલો આવતા તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. જાણીતા નૃત્યાંગના, ગાયક એવા મુરલીબેનનું લોકનૃત્ય અને શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે મોટું નામ રહ્યું છે. તેણી, પ્રફુલ દવે અને અન્ય મિત્રો ઘોઘાસર્કલ મિત્ર મંડળ નામથી રાસ-ગરબાનું ગૃપ ચલાવતા હતા અને તે સંસ્થાએ તે સમયમાં ખુબ નામના મેળવી હતી.
આજે સવારે ભાવનગર ખાતેના તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી જેમાં પરિવારજનો, સ્નેહીઓ અને ભાવનગરના શ્રેષ્ઠીઓ પણ જાેડાયા હતા અને મેઘાણી પરિવારને સાંત્વના પાઠવી હતી.