ભગવાન મહાવીર સ્વામીના અહિંસાના સંદેશને લઇને આવતા મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણનો શ્રાવણ વદ-૧૨ (બીજી) બુધવાર તા.૨૪થી પ્રારંભ થશે. રવિવારે મહાવીર સ્વામી જન્મ વાંચન કરાશે અને બુધવારે સંવત્સરી મહાપર્વ ઉજવાશે. પર્વાધિરાજ પર્યુષણમાં ભાવનગર જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક તપાસંઘ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો, અનુષ્ઠાનો થશે. ભાવનગર શહેરમાં દાદાસાહેબ, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, વડવા, સુભાષનગર, રૂપાણી, વિદ્યાનગર, આનંદનગર, તૃપ્તી ઉપાશ્રય અને વિઠ્ઠલવાડી ઉપાશ્રય એમ જુદા જુદા વિભાગો અને દેરાસરો-ઉપાશ્રયોમાં પર્યુષણ મહાપર્વની જૈન સમાજ દ્વારા ભાવભેર ઉજવણી થશે.
તહેવારોની હેલી બરાબરની જામી છે. એક તરફ શ્રાવણ માસ પૂર્ણાહૂતિને આરે છે ત્યાં હવે બુધવારથી પર્વાધિરાજ પર્યુષણનો પ્રારંભ થશે. પર્યુષણના આઠ-આઠ દિવસ સુધી જૈનો ેપોતાના મન-વચન-કાયાના દોષોરૂપી ભૂલોની માફી માંગી ખમાવશે.
પર્વાધિરાજ પર્યુષણના પર્વ નિમિત્તે પૂજ્ય સાધુ ભગવંતોની નિશ્રામાં વિશિષ્ટ આરાધના-વ્યાખ્યાન યોજવામાં આવશે. જૈન સંઘોમાં તપશ્ચર્યા, પૌષધ, પૂજા મોટા પ્રમાણમાં થશે. આ ઉપરાંત જિનાલયોમાં વિશિષ્ટ આંગી પણ કરાશે. પર્યુષણના પર્વમાં જૈનો યથાશક્તિ ઉપવાસ કરે છે.
જૈન ધર્મમાં અનેક પર્વો છે, જેમાં પર્યુષણમાં કર્મના મર્મને ભેદવાની જે તાકાત છે તે અન્ય પર્વોમાં નથી. પર્યુષણના પર્વમાં દાન-શીલ, તપ-ભાવ આ ચારેય પ્રકારના ધર્મની આરાધના સમાયેલી હોય છે.
દર વર્ષે ચાતુર્માસમાં ઉજવાતા પર્યુષણના અંતિમ દિવસને સંવત્સરી કહેવામાં આવે છે. પર્યુષણ વખતે અનેક શ્રાવકો આઠ દિવસ સુધી પૌષધ કરે છે.
પૌષધનો અર્થ થાય છે-સાધુ જેવું જ સાદું જીવન જીવવું. પર્યુષણ દરમિયાન જીવદયાનું પણ સૂક્ષ્મ રીતે પાલન કરવામાં આવે છે. સામાયિક અને પ્રતિક્રમમણ પર્યુષણના પર્વની નિત્યક્રિયા છે.પર્યુષણ પર્વના અંતિમ દિવસે બારસા સૂત્ર વાંચન, પ્રતિક્રમણ-ક્ષમાપના સાથે સંવત્સરીની ઉજવણી કરવામાં આવશે.
પ્રથમ દિવસ: તા.૨૪ને બુધવારે પર્યુષણ મહાપર્વનો પ્રારંભ, બીજાે દિવસ : અક્ષય નિધી તપ, ચાર ઉપવાસ અને તેથી વધારે ઉપવાસના તપસ્વીઓના પારણાનો આદેશ વડીલ ગુરૂ ભગવંત રૂપાણી ઉપાશ્રયથી આપશે. ત્રીજાે દિવસ: દરેક વિભાગમાં કલ્પસુત્ર ઘરે લઇ જવાનો આદેશ, કલ્પસુત્ર વ્હોરાવવાનો આદેશ, પાંચ જ્ઞાનપૂજાનો આદેશ એમ કુલ સાત આદેશો અલગ અલગ અપાશે. ચોથો દિવસ : સુપન જલાવવાનો આદેશ ગામમાં મોટા ઉપાશ્રય (નૂતન ઉપાશ્રય)એ વ્યાખ્યાન સમયે ૯ કલાકે અપાશે, મોટા દેરાસરના ઘોડિયા-પારણા ઘરે લઇ જવાનો આદેશ સવારે ૧૦ કલાકે અપાશે ત્યારબાદ બાકીના ઉપાશ્રયેથી ઘોડિયા-પારણા લઇ જવાનો આદેશ અપાશે. પાંચમો દિવસ: દાદાસાહેબ દેરાસર ખાતે સવારના ૮.૩૦ થી ૧૦.૩૦ સુધી ચૌદ સ્વપ્ન ઝુલાવવામાં આવશે, ૧૦.૩૦ કલાકે ચૌદમું સ્વપ્ન ઝુલાવાશે, ૧૦.૪૬ મિનીટે શ્રી સંઘની હાજરીમાં જન્મવાંચન ધામધૂમપૂર્વક થશે. ત્યારબાદ ભાવનગરના દરેક ઉપાશ્રયોમાં ૧૨ કલાકે જન્મવાંચન, ઘોડિયા-પારણુ બાંધવુ, શ્રીફળ પધરાવવામાં આવશે. સાતમો દિવસ : બારસા સુત્ર વ્હોરાવવાનો આદેશ, ચિત્ર દર્શનનો આદેશ, જ્ઞાનની પાંચ પૂજાનો આદેશ દરેક ઉપાશ્રય અપાશે. આઠમો દિવસ: બુધવાર તા.૩૧મીએ સંવત્સરી મહાપર્વ છે આ દિવસે બારસા સુત્ર વાંચન, સંવત્સરી, પ્રતિક્રમણ અને ક્ષમાપના થશે.