ભારતમાં પયગંબર મોહમ્મદ પર ટિપ્પણી અને બાદમાં વિરોધનો વધુ એક મામલો સામે આવ્યો છે. ટિપ્પણી મામલે ભાજપના ધારાસભ્ય અને ફાયરબ્રાન્ડ નેતા રાજા સિંહની ગઇકાલે ધરપકડ કરવામાં આવી હતી જે બાદ પાર્ટીએ પણ તેમને સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે રાજા સિંહને જામીન મળી જતાં ફરીથી ભીડ બેકાબૂ થઈ હતી.
રાજા સિંહના જામીન બાદ તેમના સમર્થકો ખુશી મનાવતા રહ્યા ત્યાં સામે પક્ષે લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને પ્રદર્શન કર્યું. મોટા ભાગના લોકો ‘સર તન સે જુદા’ના નારા સાથે રાજા સિંહને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગ કરી રહ્યા હતા. ચાર મિનાર પોલીસના વાહનો પર ભીડે હુમલો કરી આગચંપી-તોડફોડ કરી હતી.
નોંધનીય છે કે રાજા સિંહ કોમેડિયન મુનવ્વર ફારુકિનો વિરોધ કરી રહ્યા હતા અને હૈદરાબાદમાં તંત્રની સુરક્ષા હેઠળ ફારુકિએ પોતાનો શૉ કર્યો. જે બાદ ગુસ્સે ભરાયેલા રાજા સિંહે વીડિયો શેર કર્યો અને ફારુકિ પર ટિપ્પણી દરમિયાન પ્રોફેટ પર પણ ટિપ્પણી કરી. જે બાદ વિરોધનો જુવાળ ઊભો થયો.