તળાજા તાલુકાના કઠવા ગામના વાડી વિસ્તારમાં વન્યજીવના આતંકની એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. મૂળ માખણિયા ગામના વતની અને હાલ કઠવા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કરતા શ્રમજીવી ગૌતમભાઈ પરમારની પાંચ વર્ષીય દીકરી ખુશી રાત્રિના સમયે ઘરના ફળિયામાં સૂતી હતી. આ દરમિયાન અચાનક ધસી આવેલા હિંસક દીપડાએ માસૂમ બાળકી પર ત્રાપ મારી તેને મોઢામાં દબાવીને ઉઠાવી ભાગ્યો હતો.
ખુશીની સાથે સૂતેલા અન્ય બાળકોએ તાત્કાલિક દેકારો અને બૂમાબૂમ કરતા જ પરિવારજનો સફાળા જાગીને બહાર દોડી આવ્યા હતા. શ્રમજીવી પરિવારે હિંમત દાખવીને દીપડાનો પીછો કર્યો હતો અને જોરજોરથી હાંકલા-પડકારા કરતા આખરે દીપડો માસૂમ બાળકીને રસ્તામાં જ મૂકીને અંધારામાં નાસી છૂટ્યો હતો. દીપડાના હુમલાને કારણે બાળકીને શરીરે લોહી નીકળતી ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ ઘટનાની જાણ થતાં જ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્ત બાળકીને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં પ્રાથમિક સારવાર બાદ બાળરોગ નિષ્ણાતની સલાહ અનુસાર વધુ સારવાર અર્થે તેને ભાવનગર હોસ્પિટલ રિફર કરાઈ છે. બીજી તરફ, ઘટનાની ગંભીરતાને પગલે તળાજાના આર.એફ.ઓ. (RFO) સહિત વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને ફોરેસ્ટ કર્મીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. વન વિભાગના જણાવ્યા અનુસાર, સ્થાનિકોના ભયને દૂર કરવા અને આ હિંસક દીપડાને પાંજરે પૂરવા માટે છેલ્લા બે દિવસથી વ્યાપક કવાયત અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે






