રાજુલા,તા.૨
ચોમાસાના પ્રથમ વરસાદે જ અમરેલી જિલ્લામાં સરકારી વિકાસકામો અને હાઈવે નિર્માણની નબળી ગુણવત્તા ખુલ્લી પાડી દીધી છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક આવેલા ચારનાળા બ્રિજ પરના સીસી રોડમાં મોટી અને ભયજનક તિરાડો પડી જતાં વાહનચાલકોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા થયા છે. આ બ્રિજ બન્યાને માંડ દોઢ વર્ષ અને હાઈવે તૈયાર થયાને બે વર્ષ જેટલો જ સમય થયો છે.
નવાઈની વાત એ છે કે, થોડા દિવસો પહેલા જ તંત્ર દ્વારા જ્યાં સમારકામ કરીને ‘થીંગડા’ મારવામાં આવ્યા હતા, તે જ જગ્યાએ ફરીથી રોડ ફાટી ગયો છે. આના કારણે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત તેમજ ભ્રષ્ટાચારના આક્ષેપો તેજ બન્યા છે. રાજુલા-જાફરાબાદ-પીપાવાવ કોસ્ટલ બેલ્ટ પરથી પસાર થતો આ નેશનલ હાઈવે ૨૪ કલાક અત્યંત વ્યસ્ત રહે છે, જ્યાંથી અન્ય રાજ્યોના પ્રવાસીઓ પણ દીવ અને સોમનાથ જવા પસાર થાય છે. આવી સ્થિતિ વચ્ચે પણ તંત્રએ વાહનવ્યવહાર બંધ ન રાખતા ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.






