તળાજા: તળાજાના દેવડીચોક વિસ્તારમાં બાળકો રમતા હોય ત્યાં કાર ધીમી ચલાવવાની ટકોર કરતા ઉશ્કેરાયેલા બે શખ્સોએ પાડોશી યુવાન પર હુમલો કરી, તેની પત્નીને જમીન પર પછાડી દીધી હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
દેવડીચોક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવતા સંજયકુમાર બારૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાત્રિના આઠ-સાડા આઠ વાગ્યાના સમયે તેમની નાની દીકરી ધર્મિષ્ઠા ઘરની બહાર ચોકમાં રમી રહી હતી. તે સમયે અહત અકબરભાઈ પઠાણ પોતાની કાર પૂરઝડપે લઈને ત્યાંથી નીકળ્યો હતો. સંજયભાઈએ તેને બાળકો રમતા હોવાથી કાર ધીમી ચલાવવાનું કહેતા અહતે “આ તારા બાપનો ચોક નથી” તેમ કહી બોલાચાલી કરી હતી.
થોડીવાર પછી અહત તેના કાકા અનસ હબીબભાઈ પઠાણ સાથે પરત આવ્યો હતો અને સંજયભાઈ પર હુમલો કરી દીધો હતો. બંનેએ મળીને સંજયભાઈને ગાલ અને ગળાના ભાગે માર માર્યો હતો. તેમજ હાથમાં અગાઉ થયેલા ઓપરેશનની જગ્યાએ ઢીંકાપાટુનો માર મારતા ફરિયાદીએ બૂમાબૂમ કરી હતી. વચ્ચે છોડાવવા પડેલા તેમના પત્ની કૈલાસબેનને પણ ધક્કો મારી નીચે પછાડી દીધા હતા. જતા જતા આરોપીઓએ જીવતો પતાવી દેવાની ધમકી આપી હતી. તળાજા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ બીએનેસની કલમ 115(2), 352, 351(3), 54 મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
\





