ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળ માટે ધોરણ–8નું ‘ગણિતમ્ (પ્રવેશિકા–3)’ પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પાઠ્યપુસ્તક રાજ્ય સરકારના નવા અભ્યાસક્રમને અનુરૂપ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં પ્રાચીન ભારતીય ગણિત, જ્યોતિષગણિત, બીજગણિત, ક્ષેત્રફળ, ભૂમિતિ, ભારતીય કાલગણના સહિતના વિષયોનું સરળ, રસપ્રદ અને પ્રવૃત્તિ આધારિત પ્રસ્તુતીકરણ કરવામાં આવ્યું છે.
આ પાઠ્યપુસ્તકના લેખનકાર્યમાં ભાવનગરના ડૉ. પ્રણવભાઈ પી. રાજ્યગુરુએ કન્વીનર તરીકે સમગ્ર પુસ્તક નિર્માણ અને લેખન આયોજનની ઉત્કૃષ્ટ કામગીરી સંભાળી છે. પાઠ્યપુસ્તકને ગુણવત્તાસભર અને વિદ્યાર્થીકેન્દ્રિત સ્વરૂપ આપવામાં આવ્યું છે. પાઠ્યપુસ્તકમાં સંસ્કૃત ભાષાની સરળતા જાળવી રાખતાં ભારતીય ગણિત પરંપરા અને આધુનિક શૈક્ષણિક અભિગમનો સુંદર સમન્વય કરવામાં આવ્યો છે.આ પુસ્તકમાં આર્યભટ, બ્રહ્મગુપ્ત, ભાસ્કરાચાર્ય, વરાહમિહિર જેવા મહાન ભારતીય ગણિતજ્ઞોના યોગદાનનો પરિચય કરાવવામાં આવ્યો છે. સાથે જ વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, ભારતીય જ્ઞાનપરંપરા પ્રત્યે ગૌરવભાવ અને વ્યવહારુ ગણિતીય સમજણ વિકસે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ, સ્વાધ્યાય અને દૃશ્યાત્મક રજૂઆતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓને ગણિતના મૂળભૂત સિદ્ધાંતો સરળતાથી સમજી શકાય તે માટે અવયવ-અવયવી, પૂર્ણાંક-અપૂર્ણાંક, ઘાત-ઘાતાંક, વર્ગ-વર્ગમૂળ, ટકાવારી, સાધારણ વ્યાજગણતરી, બીજગણિત, પરિમિતિ અને ક્ષેત્રફળ જેવા વિષયોની સાથે સાથે પંચાંગ ગણિત, કુંડલી ગણિત અને ભારતીય કાલગણના જેવા વ્યવહારિક ખગોળીય વિષયોનો સમાવેશ કરાયો છે. સાથે જ, ગણતરીઓને સરળ અને ઝડપી બનાવવા માટે ‘આનુરૂપ્યેણ’, ‘એકાધિકેન પૂર્વેણ’ અને ‘યાવાદૂનમ્’ જેવા વૈદિક ગણિતના સૂત્રોનો ઉપયોગ કરીને દાખલાઓ ગણવાની રોચક રીતો દર્શાવવામાં આવી છે.






