સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે સુરત, નવસારી, વડોદરા અને અમદાવાદ સહીત જિલ્લાઓમાં ભુક્કા બોલાવી દેતો વરસાદ પડી રહ્યો છે. અને સર્વત્ર પાણી-પાણી થયેલ છે. ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં પણ ગઈકાલે સવારથી સતત હળવો ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આજે બપોરના 12 વાગ્યા સુધીમાં જિલ્લામાં અઢીથી પાંચ ઇંચ વરસાદ સતાવાર રીતે નોંધાયો છે. જિલ્લામાં સતત હળવા-ભારે વરસાદના કારણે ધરતીપુત્રો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદની આપેલી આગાહીના પગલે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં શુક્રવારે સવારથી મેઘ સવારી આવી પહોંચી હતી. અને સતત હળવા-ભારે ઝાપટા શરુ રહ્યા હતા અને આજે શનિવારે પણ વરસાદ શરુ રહ્યો છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના અન્ય જિલ્લાઓની સાથે ભાવનગર શહેર અને જિલ્લાભરની આંગણવાડી, પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધીના તમામને બે દિવસની રજા જાહેર કરી દેવાઈ હતી. જેના પગલે શાળા-કોલેજો બે દિવસથી બંધ રહી છે.
ભાવનગર શહેરમાં શુક્રવારે સવારથી શરુ થયેલો વરસાદ આજે બપોરે 12 વાગ્યા સુધીમાં 93મી.મી. એટલેકે 4 ઇંચ જેવો પડી ગયો છે. જોકે સતત હળવો-ભારે વરસાદ પાડવાના કારણે પાણી ભરવાના બનાવો ઓછા બન્યા છે. ભાવનગર શહેર ઉપરાંત સિહોર પંથકમાં બપોર સુધીમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં સિહોર તથા ઉપરવાસના વરસાદના કારણે ગૌતમેશ્વર તળાવમાં નવા નીર આવ્યા છે. અને સપાટી 17 ફૂટ પહોંચી છે. જયારે ભાવનગર જિલ્લાના મહુવા, પાલીતાણા, વલભીપુર તેમજ ઉમરાળા પંથકમાં 4 થી સવા ચાર ઇંચ વરસાદ પડ્યો છે. જયારે ઘોઘા, જેસર, તળાજા અને ગારિયાધાર પંથકમાં અઢીથી ત્રણ ઇંચ વરસાદ પડ્યાના સત્તાવાર અહેવાલો મળી રહ્યા છે.


