ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવેલી મયંક ટ્રેડર્સ નામની ઓફિસમાં બેસતા કમિશન એજન્ટ પ્રવિણભાઈ બાબુભાઈ જોશી (ઉં.વ. ૬૪) પર ભત્રીજાના હિસાબ બાબતે બે શખ્સોએ અચાનક હુમલો કરી મારમાર્યાની ઘટના સામે આવી છે. આ બાબતે મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ, પ્રવિણભાઈ તેમની માર્કેટિંગયાર્ડની ઓફિસમાં હાજર હતા ત્યારે ઘનશ્યામભાઈ મધુભાઈ વધાસીયા (રહે. મોટા મુંજીયાસર, તા. બગસરા, જી. અમરેલી) અને કમલેશભાઈ ભાલીયા (રહે. મહુવા) ત્યાં આવ્યા હતા. તેઓએ પ્રવિણભાઈના ભત્રીજા તુશારભાઈના બાકી નીકળતા રૂપિયા બાબતે બોલાચાલી કરી હતી. પ્રવિણભાઈએ પોતાની કોઈ લેવડ-દેવડ ન હોવાનું જણાવતા ઉશ્કેરાઈને ઘનશ્યામભાઈએ પ્રવિણભાઈનો શર્ટ ફાડી નાખી મોઢા પર મુઢમાર માર્યો હતો તેમજ ટેબલ પર પડેલું કેશ કાઉન્ટિંગ મશીન ફેંકીને તોડી નાખ્યું હતું. વચ્ચે બચાવ કરવા આવેલા મહેતાજી અને ભાઈ સાથે પણ ધક્કામુક્કી કરી હતી.અને જતા જતા બંનેએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
આ હુમલામાં અંદાજે ૮,૦૦૦ રૂપિયાનું નુકસાન થયું છે. આ અંગે પ્રવિણભાઈએ ફરિયાદ નોંધાવતા મહુવા પોલીસે બી.એન.એસ. કલમ ૩૨૪(૨), ૧૧૫(૨), ૫૪, ૩૫૧(૩), ૨૯૬ મુજબ ઘનશ્યામભાઈ અને કમલેશભાઈ સામે ધોરણસર ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






