સુરક્ષા દળોએ સાત કુકી ગ્રામજનોને અટક કરતા મણિપુરના કાન્ગપોકિપ જિલ્લામાં એના હિંસક વિરોધરૂપે લોકોએ રસ્તાઓ પર ચક્કાજામ કરી દઈને સરકારી વાહનો પર પત્થરમારો કર્યો હતો.રાજ્યના મોટબન્ગ અને નજીકના વિસ્તારોમાં શનિવારે રાત્રે ૧૦ના સુમારે શરૂ થયેલા વિરોધ-દેખાવો મધરાત સુધી ચાલુ રહ્યા હતા. લોકોએ દેખાવો દરમિયાન માર્ગો પર ટાયરો બાળ્યા હતા અને સરકારી વાહનો પર પત્થરમારો કર્યો હતો. દેખાવકારોએ દાવો કર્યો કે સુરક્ષા દળોએ કોઈ કારણ જણાવ્યા સિવાય ખોલેન ગામના સાત ગ્રામીણોની અટકાયત કરી છે.
જિલ્લામાં નાગા લોકોની બહુમતીવાળા ચાવાન્ગકિનિન્ગ ગામ પાસે આવેલા ખોલેન ગામ પર તાજેતરમાં સશસ્ત્ર તોફાનીઓના હુમલા થવા માંડયા છે. સુરક્ષા દળોની અવરજવરમાં વિક્ષેપ ઊભો કરવા માટે મોટબન્ગ ખાતે ઈમ્ફાલ-દિમાપુરના રાષ્ટ્રીય ધોરીમાર્ગનો કેટલોક હિસ્સો ખોદી નાખનાર દેખાવકારોને વિખેરવા માટે સુરક્ષા દળોએ ટિયર ગેસના શેલ છોડયા હતા. દેખાવો દરમિયાન ઘાયલ થયેલા કેટલાક લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયા છે.સુરક્ષા દળોએ પકડેલા સાત ગ્રામીણ સ્વયંસેવકોને પાછળથી છોડી મૂકાતા વિરોધ-કાર્યક્રમ પડતો મૂકાયો છે. જિલ્લામાંની પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ છે, એમ અધિકારીએ જણાવ્યું.






