મહાઠગ કિરણ પટેલે PMOના અધિકારી હોવાનું જણાવીને અનેક લોકોને ચૂનો ચોપડ્યો હોવાની ફરિયાદો નોંધાયા બાદ તપાસ ચાલી રહી છે. કિરણ પટેલની ધરપકડ બાદ મહાઠગના એક પછી એક કારનામા બહાર આવી રહ્યા છે. ત્યારે કિરણ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કારણ કે હવે કેન્દ્રીય તપાસ એજન્સી EDએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. બે દિવસ અગાઉ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમોએ કિરણ પટેલના એક સાથે 12 ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. મહાઠગ કિરણ પટેલના સાગરિતો પર EDએ મોટી કાર્યવાહી કરી છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ફરિયાદનાં આધારે ED કાર્યવાહી કરી રહી છે.
ઈડીની ટીમ દ્વારા અમદાવાદ, ગાંધીનગર, મોરબી અને મહેસાણામાં 12 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ કિરણ પટેલનાં સાથી જય સીતાપરા, હાર્દિક ચંદ્રાણા, વિઠ્ઠલ પટેલ, અમિત પંડ્યા અને પિયુષ વસીટાને ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તપાસ દરમિયાન અમુક સ્થળેથી વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. તપાસમાં જમીનના દસ્તાવેજની સાથે સાથે ગુનાહિત પ્રવૃતિની સામગ્રી પણ મળી આવી હતી.




