PM નરેન્દ્ર મોદી પાપુઆ ન્યુ ગીનીની મુલાકાતે છે. અહીં PM મોદીએ વડાપ્રધાન જેમ્સ માર્પે સાથે 3જી ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશન સમિટની સહ-અધ્યક્ષતા કરી. આ કોન્ફરન્સમાં પીએમ મોદીએ કહ્યું કે G20 દ્વારા ગ્લોબલ સાઉથની ચિંતાઓ, તેમની અપેક્ષાઓ અને તેમની આકાંક્ષાઓને વિશ્વ સુધી પહોંચાડવાની ભારત પોતાની જવાબદારી માને છે. છેલ્લા બે દિવસમાં G7 સમિટમાં મારો આ પ્રયાસ હતો. ભારતે જળવાયુ પરિવર્તનના મુદ્દે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો આગળ રાખ્યા છે. મને ખુશી છે કે અમે આના પર ઝડપથી કામ કરી રહ્યા છીએ. PM મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં ભારતની ભૂમિકા સૌએ જોઈ છે.
PM મોદીએ એમ પણ કહ્યું કે, “કોવિડ રોગચાળાની અસર ગ્લોબલ સાઉથના દેશો પર સૌથી વધુ જોવા મળી હતી. ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફત, ભૂખમરો, ગરીબી અને સ્વાસ્થ્ય સંબંધિત પડકારો પહેલાથી જ હતા, હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે… મને ખુશી છે કે ભારત મુશ્કેલીના સમયમાં તેના મૈત્રીપૂર્ણ પેસિફિક ટાપુ દેશો સાથે ઊભું રહ્યું. ભારત તમામ ભાગીદાર દેશોને તેની ક્ષમતા અનુસાર મદદ કરી રહ્યું છે. જેમ મેં પહેલા કહ્યું છે કે, મારા માટે તમે એક નાનકડો ટાપુ રાજ્ય નથી, એક વિશાળ સમુદ્રી દેશ છો. તમારા મહાસાગર ભારતને તમારી સાથે જોડે છે.
પાપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મારાપેએ કહ્યું કે આપણે બધા એક સહિયારા ઇતિહાસમાંથી આવ્યા છીએ. ઇતિહાસ કે જે વૈશ્વિક દક્ષિણના દેશોને એક સાથે રાખે છે. દ્વિપક્ષીય બેઠકમાં મને ખાતરી આપવા બદલ હું તમારો (PM મોદી) આભાર માનું છું કે જ્યારે તમે આ વર્ષે G20ની યજમાની કરશો, ત્યારે તમે ગ્લોબલ સાઉથ સંબંધિત મુદ્દાઓની હિમાયત કરશો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 14 પેસિફિક ટાપુ દેશો (PICs) ના નેતાઓ પાપુઆ ન્યુ ગિનીમાં 3જી ઇન્ડિયા-પેસિફિક આઇલેન્ડ્સ કોઓપરેશન (FIPIC) સમિટમાં ફોટા પડાવ્યા.
બંને દેશો માટે મહત્વની છે આ મુલાકાત: ચીનની નજર છે આ દેશ પર
વર્ષ 1981માં પહેલીવાર કોઈ વડાપ્રધાન પ્રશાંત દ્વીપ દેશની યાત્રા ગયા હતા. તે વખતે ઈન્દીરા ગાંધીને ફિઝી દેશની મુલાકાત કરી હતી. જોકે ઈન્દીરા ગાંધીની ઐતિહાસિક યાત્રાના 33 વર્ષ બાદ વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ફિઝીની મુલાકાતે પહોંચ્યા હતા. હવે 9 વર્ષ બાદ ફરીથી વડાપ્રધાન મોદી પ્રશાંત દ્વીપ દેશના પાપુઆ ન્યૂ ગિની પહોંચ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની યાત્રા ભારત અને પ્રશાંત દેશોના સંબંધોને નવેસરથી આગળ વધારવાની પહેલ કરી છે.
પાપુઆ ન્યુ ગિનીની વસ્તી 1.5 કરોડ છે. ચીને તેના ‘બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ’ હેઠળ અહીં રોકાણ કર્યું છે. પાપુઆ ન્યુ ગિની સોનું, તાંબા જેવા સમૃદ્ધ સંસાધનો ધરાવતો દેશ છે અને ચીનનો તેના પર ડોળો છે. ચીન સાથે ફ્રી ટ્રેડ ડીલ પણ કરવામાં આવી છે જે બંને દેશોની નિકટતા દર્શાવે છે. આવી સ્થિતિમાં મોદીની આ મુલાકાત આ ક્ષેત્રમાં સંબંધો વધારવાનો પ્રયાસ છે. મોદીએ આ મુલાકાત પહેલા કહ્યું કે, ‘હું પ્રશાંત દ્વીપના દેશોના નેતાઓ સાથે ક્લાઈમેટ ચેન્જ અને ટકાઉ વિકાસ, ક્ષમતા નિર્માણ અને તાલીમ, સ્વાસ્થ્ય કલ્યાણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના આર્થિક વિકાસ જેવા મુદ્દાઓ પર વાતચીત કરવા આતુર છું.’
પાપુઆ ન્યુ ગિનીનું ભૌગોલિક સ્થાન ખુબ વ્યૂવ્હાત્મક છે જે ઓસ્ટ્રેલિયાની ખુબ નજીક છે. અહીં ચીન મજબુત થશે તો ઓસ્ટ્રેલિયા માટે ખતરો વધશે અને અંતત: તે ક્વાડ માટે ખતરનાક હશે. ક્વાડ દેશોએપાપુઆ ન્યુ ગિનીને લાંબા સમય સુધી ઈગ્નોર કર્યું છે જેના કારણે ચીનને અહીં મોકળું મેદાન મળ્યું છે. અહીં ચીનના વધતા પ્રભાવથી સૌથી વધારે ચિંતા જગત જમાદાર અમેરીકાને છે પણ ભારતના વડાપ્રધાનની આ મુલાકાત નક્કી ચીનના પેટમાં તેલ રેડશે.






