ડોનાલ્ડ ટ્રમ્પે બિગ બ્યૂટીફૂલ બિલ સંસદમાં પાસ કરાવ્યું એ પછી હવે બજેટમાં ફાળવણી પણ થઈ ગઈ
છે. નવા કાયદા પ્રમાણે ગેરકાયદે વસાહતીઓ સામે કાર્યવાહી કરવા માટે અમેરિકન સંસદે ૧૭૦ અબજ
ડોલર જેવી માતબર રકમ ફાળવી છે. તેના કારણે અમેરિકામાં આગામી મહિનાઓમાં ગેરકાયદે
વસાહતીઓ સામે આકરાં પગલાં ભરાશે. તેમને ડિટેન્શન સેન્ટરમાં રાખવા માટેની તૈયારી પણ કરી
દેવાઈ છે. તે ઉપરાંત બોર્ડર પર દીવાલ બાંધવાથી લઈને ચાંપતી નજર રાખવા માટે પણ બજેટ
વધારાયું છે.
દેશભરના સરહદી રાજ્યોમાં આ ડિટેન્શન સેન્ટર્સ ઉભા કરાશે અને એમાં ગેરકાયદે વસાહતીઓને કેદ
રાખવામાં આવશે. ઈમિગ્રેશન વિભાગે અત્યારે ૫૯ હજાર ગેરકાયદે વસાહતીઓની ઓળખ કરી લીધી છે.
અમેરિકામાં એક કરોડથી વધુ ગેરકાયદે વસાહતીઓ રહેતા હોવાનો અંદાજ બાંધવામાં આવ્યો છે.
આગામી દિવસોમાં ઈમિગ્રેશન એન્ડ બોર્ડર સિક્યોરિટી વિભાગ ગેરકાયદે વસાહતીઓને ઝડપી શકે તે
માટેના પ્રયાસો શરૂ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ઈમિગ્રેશન વિભાગ ઉપરાંત બોર્ડર
સિક્યોરિટીના બજેટમાં તો વધારો કર્યો જ છે, સાથે સાથે રાજ્યોની સ્થાનિક એજન્સીઓ ગેરકાયદે
વસાહતીઓને ઝડપી લેવામાં મદદ કરી શકે તે માટે ૧૨.૬ અબજ ડોલર જેટલી ફાળવણી કરી છે.
રિપબ્લિકન પાર્ટીના સાંસદોએ સરહદી સુરક્ષા, ગેરકાયદે વસાહતીઓની ઓળખ વગેરેમાં ઉપયોગી થાય
એવી ટેકનોલોજી વિકસાવવા કે વસાવવા માટે ૬.૭ અબજ ડોલર આપ્યા છે.