ભાવનગર સહિત સમગ્ર ગોહિલવાડમાં ગઈકાલ બુધવારથી સમસ્ત જૈન સમાજ દ્વારા તપ અને ત્યાગના મહાપર્વ પર્વાધિરાજ પર્યુષણ પર્વની પરંપરાગત રીતે ઉલ્લાસભેર ઉજવણીનો શુભારંભ કરાયો હતો. આ પાવનકારી તહેવારને અનુલક્ષીને સમસ્ત જૈન સમાજમાં આરાધનામય માહોલ દ્રશ્યમાન થઈ રહ્યો છે. આ પવિત્ર તહેવારને અનુલક્ષીને સમસ્ત જૈન સંઘમાં ધર્મઆરાધનાની હેલી સર્જાઈ છે અને પર્યુષણના શાશ્વત મહાપર્વની હર્ષોલ્લાસપૂર્ણ ઉજવણી થઈ રહી છે. આ પર્વના પ્રારંભે શહેર અને જિલ્લાના દેરાસરોમાં વહેલી સવારથી જ શ્રાવક અને શ્રાવિકાઓ પૂજન અર્ચન અર્થે ઉમટી પડયા હતા.
આ પર્યુષણ દરમિયાન ભાવનગર શહેરના ગામવિભાગ, દાદાસાહેબ, મર્ચન્ટ પાર્ક,તૃપ્તી વિભાગ, નાનભાવાડી, વિદ્યાનગર, રૂપાણી, કૃષ્ણનગર, શાસ્ત્રીનગર, સુભાષનગર, ક્રેસંટ, ભરતનગર, ગાયત્રીનગર, આનંદનગર અને વડવા વ. વિભાગોના ઉપાશ્રયોમાં નીત્યક્રમ મુજબ સવારના અરસામાં આચાર્ય ભગવંતો દ્વારા ધર્મબોધ સહ વ્યાખ્યાન આપી રહ્યા છે. આ સાથે ગુરૂવંદના, દેવદર્શન, અભિષેક, સ્નાત્ર મહાપુજા, ચૈત્યવંદન, કલ્પસુત્ર વાંચન,બારસાસૂત્ર વાંચન, આયંબીલ, સાંજે પ્રતિક્રમણ સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહિ તમામ દેરાસરોમાં દરરોજ ભકિતભાવના કરાઈ રહી છે. પ્રભુજીને મનોહર અંગરચના પણ કરાશે.