ભાવનગરના એક નામી તબીબને અમદાવાદની યુવતીએ હની ટ્રેપમાં ફસાવી તેના મળતીયાઓ સાથે રહી રૂ. દોઢ કરોડની ખંડણી માંગ્તા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ ચકચારી બનાવમાં પોલીસે એક યુવતીની અટકાયત કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
ઉપલબ્ધ પ્રાથમિક માહિતી અનુસાર ભાવનગરના એક નામી તબીબને અમદાવાદ વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેમની સાથે મિત્રતા કેળવી મોહજાળમાં ફસાવ્યા હતા અને તબીબ સાથેનો અંગતપળોનો વિડીયો ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી તેની પાસે દોઢ કરોડ જેટલી મસમોટી રકમની માંગ કરી હતી. તબીબને યુવતી સાથે ઓળખાણ ભાવનગરથી થઈ હતી અને પછી આ પ્રકરણ બહારગામમાં આગળ વધ્યું હતું. આ મામલે બોરતળાવ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બે આરોપી ઝડપાયા છે, મુખ્ય આરોપીને પકડવા પ્રયાસો ચાલુ છે-એએસપી સફિન હસન
બનાવ અંગે તબીબે પોલીસનો સંપર્ક કરતા પોલીસે બનાવની ગંભીરતાને લઈ તાત્કાલિક અસરથી યુવતી અને તેના એક સાગરિતને હસ્તગત કર્યો હોવાનું જાણવા મળેલ છે. જયારે, તબીબને હનીટ્રેપમાં ફસાવતા મુખ્ય સૂત્રધારને ઝડપી લેવા પોલીસે અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળેલ છે જોકે હાલ પોલીસે ફરિયાદી અને આરોપીના નામ અંગે ગુપ્તતા જાળવી હતી. સમગ્ર બનાવ અંગે ભાવનગર ASP સફિન હસને ‘સૌરાષ્ટ્ર આસપાસ’સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે અમે બહુ ઝડપથી આરોપીને ઝડપી લઈશું. આરોપી છટકી ન જાય એ હેતુથી વિગતો જાહેર નથી કરાઈ. નજીકના સમયમાં સમગ્ર પ્રકરણ પરથી.પોલીસ પરદો ઉચકશે. તબીબે સમયસર પોલીસની મદદ માંગતા બે આરોપીઓને દબોચી શકાયા છે અને આ કેસમાં વધુ પ્રગતિકારક કામગીરી થઈ રહી છે.