આસામના કોંગ્રેસ સાંસદ અબ્દુલ ખાલિકના વિવાદીત નિવેદન પર હોબાળો થયો છે. ખાલિકે મુગલો પર ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે, તેમને નાના રાજ્યોમાં વહેંચાયેલા ભારતને હિન્દુસ્તાન નામ આપ્યું છે. એટલા માટે તેમના પર ગર્વ છે. તેમણે આગળ કહ્યું કે, મને મુગલો પર ગર્વ છે. હું મુગલ નથી, પણ તેમનો વંજશ છું. મુગલોએ આ દેશને આકાર આપવાનું કામ કર્યું હતું. એટલા માટે મને તેમના પર ગર્વ છે. કોંગ્રેસ સાંસદે સવાલ ઉઠાવતા કહ્યું કે, જો આપને મુગલો સાથે એટલી જ નફરત હોય તો, લાલ કિલ્લા પર તિરંગો ફરકાવાનું યોગ્ય નથી. તેમણે કહ્યું કે, મુગલોએ ભારતમાં લાલ કિલ્લો, તાજમહેલ જેવા સ્મારકો બનાવ્યા હતા અને એટલા માટે તેમના યોગદાનને નજરઅંદાજ કરી શકાય નહીં. અબ્દુલ ખાલિકે આગળ કહ્યું કે, મુગલોનું મહત્વ એ વાતથી જાણી શકાય છે કે, દેશના દરેક પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે.
મુગલો દ્વારા આસામ પર આક્રમણની વાત પૂછવા પર આસામના બારપેટા વિધાનસભા સીટથી કોંગ્રેસના સાંસદ ખાલિકે કહ્યું કે, હા, મુગલોએ આસામ પર આક્રમણ કર્યું હતું, પણ આ બધું વ્યક્તિગત નહોતું. તે સમયે દેશ પર તેમની હકુમત હતી, તે સમયે તેઓ રાજા હતા અને રાજા હોવાના નાતે તેમણે આસામ પર અટેક કર્યો હતો, તેમણે કહ્યું કે, અહોમ સેનાએ મુગલોને વારંવાર પરાજિત કરી, પણ તે સમયે આસામની પોતાનું અલગ એક રજવાડુ હતું અને ભારત એક અલગ રાષ્ટ્ર હતું. તે વિવાદ મુગલ અને અહોમ સેના વચ્ચે નહોતો. તે વિવાદ ભારત અને આસામ વચ્ચે હતો. આજે આસામ ભારતનો હિસ્સો છે. આજે પરિસ્થિતિઓ પહેલા કરતા બહુ અલગ છે.