ગુજરાતમાં વાઘ ફરતો હોવાનો ફરી એક વખત દાવો કરાયો છે. મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામના સ્થાનિકોનો દાવો છે કે, છેલ્લા 15 દિવસથી તેમના વિસ્તારમાં વાઘ ફરી રહ્યો છે. ખાનપુર તાલુકાના પાંડરવાડા ગામમાં રહીશોનો દાવો છે કે, છેલ્લા 15 દિવસથી જંગલ વિસ્તારથી વાઘ આવે છે. લોકોએ એવા દાવો કર્યો છે કે વાઘ તેમના પશુઓનું મારણ કરે છે. આ ઉપરાંત ગામ લોકો ડરના માર્યાં રાત્રે ઊંઘી પણ નથી શકતા. આ જ કરાણ છે કે સ્થાનિકો પોતાના બાળકોને ઘર બહાર રમવા નથી દેતા. જોકે, આ મામલે વન વિભાગ તરફથી કોઈ જ પુષ્ટિ કરવામાં આવી નથી. જો આ વાત સાચી સાબિત થાય છે તો ગુજરાત વિશ્વનો એકમાત્ર એવો પ્રદેશ બનશે જ્યાં વાઘ, દીપડો અને સિંહ સાથે રહેતા હોય.
ગામ લોકોનું કહેવું છે કે, રાત પડતા જ જંગલમાંથી વાઘ આવી તેમના બકરા, નીલ ગાયનો શિકાર કરે છે. પાંડરવાડા ગામના લોકોએ આ અંગે વન વિભાગને પણ જાણ કરી છે. સમાચારને પગલે વન વિભાગની ટીમ પણ વાઘ હોવાના પુરાવાની શોધમાં જોડાઈ છે. હાલમાં જ્યાં જ્યાં પશુઓના મારણ થયા છે ત્યાં પશુ પરના દાંતના નિશાન, તે વિસ્તારના જમીન પરના પંજાના નિશાન અને આસપાસના ફોટોગ્રાફ લેવામાં આવી રહ્યા છે.
એવુ નથી કે, મહીસાગરમાં વાઘ હોવાનો આ દાવો પહેલીવાર થયો છે. અગાઉ પણ લુણાવાડામાં વાઘ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો હતો. ગામ લોકોએ ફોટા પાડીને વાઘ હોવાનો દાવો કરી વન વિભાગને પણ સોંપ્યા હતા. જોકે, બાદમાં કંતાર ગામના જંગલમાંથી વાઘનો મૃતદેહ મળ્યો હતો. એ સમયે સ્થાનિકોએ વન વિભાગ સામે ગંભીર બેદરકારીનો પણ આક્ષેપ કર્યો હતો. હવે ફરી મહીસાગર જિલ્લાના પાંડરવાડા ગામના રહીશોએ વાઘ હોવાનો દાવો કર્યો છે.
2019ના વર્ષમાં દેખાયો હતો વાઘ
છેલ્લા 2019ના વર્ષમાં મહીસાગરમાં વાઘ દેખાયો હતો. એ પહેલા 1985 માં ગુજરાતમાં વાઘ જોવા મળ્યો હતો. 1985માં ગુજરાતના દક્ષિણ છેડે આવેલા ડાંગમાં વાઘ જોવા મળ્યો હતો. જે તે સમયે રોડ અકસ્માતમાં વાઘનું મોત થયું હતુ.