સુરત મનપા દ્વારા સુરતવાસીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. મનપા દ્વારા આજથી સુરતવાસીઓ માટે એક મહિનો બસ સેવા ફ્રી કરાઈ. સુરત મની કાર્ડનો ઉપયોગ કરનાર લોકો માટે ફ્રી સેવા જાહેર કરવામાં આવી છે. મની કાર્ડથી ટેપ કરીને મુસાફરી કરનારે એક પણ રૂપિયો ચૂકવવો નહીં પડે.
પાલિકાની જાહેર પરિવહન સેવાનો શહેરીજનો વધુમાં વધુ લાભ લે એ માટે અને ડિજિટલ કેસલેસ ટ્રાન્જેકશનને પ્રાધાન્ય આપવા આજથી 30 સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડ તથા સિટિલિંક મોબાઇલ એપ મારફતે ટિકિટ બુકિંગ કરનારને ટિકિટમાં 100 ટકા રાહત અપાશે. શહેરી બસ સેવાને લોકપ્રિય બનાવવા માટે પાલિકા દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિટીલિંકની એપ્લિકેશનથી ટિકિટ બુક કરાવનારને પણ 100 ટકા રાહત મળશે. સુમન પ્રવાસ ટિકિટ યોજના સફળ રહ્યાં બાદ પાલિકા દ્વારા આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. મહત્વનું છે રોજના 11 હજારથી વધુ લોકો મની કાર્ડનો ઉપયોગ કરે છે. પાલિકાના BRTSના 13 અને સિટીબસના 45 રૂટ પર આ સેવાનો લાભ મળશે.
આ સેવા શરૂ કરવાનો ખાસ ધ્યેય એ છે કે લોકો આના દ્વારા વધુ ને વધુ સીટી બસ અને બીઆરટીએસ બસનો ઉપયોગ કરે. પાલિકાની જાહેર પરિવહન સેવામાં મુસાફરોની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. સમગ્ર દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે જ્યાં એક ટિકિટથી સિટીબસ અને BRTSમાં મુસાફરી કરી શકાય છે. ત્યારે અહીં BRTSના 13 રૂટ તેમજ સિટીબસના 45 રૂટ ઉપર અંદાજે દૈનિક 2.30 લાખ લોકો મુસાફરી કરે છે.