ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં ભારે પૂરે તબાહી મચાવી છે. પૂરના કારણે લાખો લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ આશરો લઈ રહ્યા છે. પાકિસ્તાનનો લગભગ ત્રીજા ભાગનો વિસ્તાર પૂરની ઝપેટમાં છે. આ દરમ્યાન આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને મદદ અને શોકનો સિલસિલો શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનમાં આવેલા પૂર અંગે દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પીડિતોના પરિવારજનો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરી હતી. આ પછી તરત જ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પીએમ મોદીનો આભાર માન્યો છે.
ચોમાસાના વરસાદે સમગ્ર પાકિસ્તાનમાં તબાહી મચાવી છે, લગભગ 1,100 લોકો માર્યા ગયા છે અને ઉભા પાકનો નાશ કર્યો છે. આ સાથે જેઓ આ કુદરતી પ્રકોપથી બચી ગયા છે, તેઓ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓ કહે છે કે, સિંધ, બલૂચિસ્તાન, દક્ષિણ પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાના પૂર પ્રભાવિત વિસ્તારોમાં રહેતા લોકો ઝાડા, કોલેરા, આંતરડામાં અથવા પેટમાં બળતરા, ટાઈફોઈડ અને વેક્ટરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ અને મેલેરિયા માટે સંવેદનશીલ હોવા સાથે પરિસ્થિતિ ગંભીર છે.
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે, પાકિસ્તાનમાં પૂરના કારણે થયેલી તબાહી જોઈને દુઃખ થયું. અમે પીડિતોના પરિવારો, ઘાયલો અને આ કુદરતી આફતથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે દિલથી સંવેદના વ્યક્ત કરીએ છીએ અને ઝડપથી સામાન્ય સ્થિતિની પુનઃસ્થાપનની આશા રાખીએ છીએ. આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે કહ્યું હતું કે. પૂરને કારણે થયેલા માનવ અને ભૌતિક નુકસાન અંગે શોક વ્યક્ત કરવા માટે હું આભાર માંનું છું. ઈન્શાઅલ્લાહ, પાકિસ્તાનના લોકો આ કુદરતી આફતની પ્રતિકૂળ અસરોને દૂર કરશે અને તેમના જીવન અને સમુદાયોનું પુનર્નિર્માણ કરશે.