કલાનગરી ભાવનગરના આંગણે છઠ્ઠી સપ્ટેમ્બરે અભિવાદન સમારોહ અને ભવ્ય લોક ડાયરોનુ આયોજન થયું છે. અને ભાવનગરના વિકાસ કાર્યો માટે 297 કરોડ ફાળવનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું આભાર – સન્માન કરાશે. આ ઉપરાંત દીકરીઓ માટે સો કરોડ એકત્ર કરવાનો શુભ સંકલ્પ લેનાર ખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવીનું અભિવાદન – સન્માન કરાશે.
જીતુભાઈ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા છઠ્ઠી સપ્ટેમ્બરે ભાવનગરના આંગણે કાર્યક્રમનું આયોજન થયું છે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અનેક અગ્રણીઓ સંતો મહંતો ખાસ હાજર રહેશે.
ભાવનગર નાગરિક સન્માન સમિતિના વડપણમાં ભાવનગર શહેરના વિકાસ કાર્યો માટે 297 કરોડ ફાળવવા બદલ રચના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું શહેરની પ્રમુખ સંસ્થાઓ દ્વારા આભાર-સન્માન યોજાશે. આ પ્રસંગે રાજ્ય સરકારના વિવિધ મંત્રીઓ અને રાજ્યભરમાંથી અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહેશે.
આ સાથે જ દીકરીઓ માટે ૧૦૦ કરોડ એકત્ર કરવાનો શુભ સંકલ્પ કરનાર આંતરરાષ્ટ્રીય ખ્યાત કલાકાર કિર્તીદાન ગઢવીનું સન્માન ‘ ધન્ય છે કિર્તીદાનને’ શિર્ષક હેઠળ કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ અને ભાવનગર જન્મોત્સવ સમિતિ દ્વારા યોજાશે. આ પ્રસંગે સમગ્ર રાજ્યના સન્માનીય સંતો અને સુપ્રસિધ્ધ કલાકારો ખાસ ઉપસ્થિત રહેશે.
6 સપ્ટેમ્બરને મંગળવારે રાત્રે 8:00 કલાકે સ્વામિનારાયણ મંદિરની પાછળનુ મેદાન (માર્કેટિંગ યાર્ડ સામે, ચિત્રા, ભાવનગર) ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં ભવ્ય લોકડાયરો પણ યોજાશે જેમાં કિર્તીદાન ગઢવી સૌપ્રથમવાર ફ્યુઝન મેશઅપ સાથે એક નવા જ સ્વરૂપમાં રજૂ થવાના છે. આ ઉપરાંત સાંઈરામ દવે ,માયાભાઈ આહીર, પાર્થિવ ગોહિલ, રાજભા ગઢવી, ઉર્વશીબેન રાદડિયા, ઈશાની દવે, જીગ્નેશ કવિરાજ, હરેશ દાન સુરુ, હાર્દિક દવે, ગીતાબા ઝાલા સહિત અનેક નામાંકિત કલાકારો ભાવનગરની જનતાને પોતાની કલા દ્વારા મંત્રમુગ્ધ કરશે.
ભાવનગરના આંગણે પ્રથમવાર યોજાઈ રહેલ આ ભવ્ય અભિવાદન અને ભાતીગળ લોક ડાયરા નો લાભ લેવા ભાવનગરની જાહેર જનતાને ભાવનગર જન્મોત્સવ સમિતિ તથા કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિએ જાહેર આમંત્રણ પાઠવ્યું છે.