ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ ગેસ એજન્સીમાં કામ કરતી મહિલા કર્મચારીએ રૂ.૧.૬૭ લાખની ગેરરીતિ કરી હોવાની ફરિયાદ એજન્સીના સંચાલકે નોંધાવતા નીલમબાગ પોલીસને તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ ભાવનગરના કાળીયાબીડ, પાણીની ટાંકીથી લખુભા હોલ તરફ જવાના રોડ પર આવેલ આર્સ ઇન્ડિયન ગેસ એજન્સીમાં કામ કરતા દેવાંગીબેન સંજયભાઈ દવે રહે. કાળીયાબીડ હિસાબ કિતાબની દેખરેખ રાખતા હોય તેમના સમય દરમિયાન તેમણે રૂ.૧.૬૭ લાખની ગેરરીતિ કરી હોવાનું એજન્સીના સંચાલક મહેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજા રહે. વાઘાવાડી રોડ ને ધ્યાન પર આવતા તેમને દેવાંગીબેનને નોકરીમાંથી છુટા કરી દીધા હતા.
આ ગેરરીતિ અંગે દેવાંગીબેન સંતોષકારક જવાબ આપતા ન હોય એજન્સીના સંચાલકે તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે આઇપીસી કલમ ૪૦૬,૪૨૦ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.