પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સતત સેવા આપનારા દેશના પ્રથમ ચૂંટાયેલા વડાપ્રધાન બની ગયા છે. તેમણે પોતાના કાર્યકાળના 4,399 દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કરીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે. પીએમ મોદીનો આ મહત્ત્વનો તબક્કો કેન્દ્ર સરકારમાં તેમના 12 વર્ષથી વધુના શાસનકાળ અને અવિરત જનસેવાને દર્શાવે છે.
આ ઐતિહાસિક સિદ્ધિના અવસરે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પ્રેરણાદાયી પોસ્ટ શેર કરી છે. તેમણે લખ્યું કે, ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે. નમ્રતા, સમર્પણ અને કર્તવ્યનિષ્ઠા સાથે નિરંતર કાર્ય કરનારી વ્યક્તિ જ જનતાનો વિશ્વાસ સંપાદિત કરી શકે છે.
આ પૂર્વે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ સરકારે કેન્દ્રમાં પોતાના સફળ 12 વર્ષ પૂર્ણ કર્યા હતા, તે સમયે પણ તેમણે દેશવાસીઓ માટે એક ખાસ પોસ્ટ શેર કરી હતી. પીએમ મોદીએ લખ્યું હતું કે, ‘રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પણ અને સેવાભાવ આપણી અમૂલ્ય મૂડી રહ્યા છે. વિતેલા 12 વર્ષોમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ની ભાવનાથી પ્રેરિત નિરંતર પ્રયાસોના કારણે જ આજે આપણે એક સશક્ત અને આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહ્યા છીએ.’
પીએમ મોદી ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનતા વૈશ્વિક સ્તરેથી પણ તેમને વધામણી મળી રહી છે. અમેરિકન દૂત સર્જિયો ગોરે સોશિયલ મીડિયા પર એક ખાસ સંદેશ પોસ્ટ કરીને પીએમ મોદીને આ અદ્ભુત સિદ્ધિ બદલ હાર્દિક બધાઈ આપી હતી. સર્જિયો ગોરે પોતાના સંદેશમાં લખ્યું કે, ‘ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા ચૂંટાયેલા વડાપ્રધાન બનવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ-ખૂબ અભિનંદન. આ અભૂતપૂર્વ ઉપલબ્ધિ દાયકાઓ સુધીની તેમની સમર્પિત જનસેવા અને મજબૂત નેતૃત્વનું એક સશક્ત પ્રમાણ છે! તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ-ખૂબ શુભેચ્છાઓ!’





