ગુજરાત પોલીસ ભરતી-૨૦૨૬ અંતર્ગત ભાવનગર ખાતે પરીક્ષા આપવા માટે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા ઉમેદવારોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુથી ગુજરાત રાજ્યમંત્રી પરસોત્તમભાઈ સોલંકીના માર્ગદર્શન અને કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીની પ્રેરણાથી હાદાનગર સ્થિત તળપદા કોળી જ્ઞાતિ વાડી ખાતે નિઃશુલ્ક રહેવા તથા ભોજનની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
હજારો યુવાનો પોતાના ભવિષ્યના મહત્વપૂર્ણ પડાવ સમાન પોલીસ ભરતી પરીક્ષા આપવા ભાવનગર પહોંચ્યા હતા. આવા સમયે ઉમેદવારોને રહેવા, જમવા અને જરૂરી સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે કોળી સેના દ્વારા સેવાભાવી આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યવસ્થાથી અનેક ઉમેદવારોને આર્થિક અને વ્યવહારિક રાહત મળી હતી.આ પ્રસંગે કોળી સેનાના યુવા પ્રમુખ દિવ્યેશભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, “સમાજના યુવાનો પોતાના સપનાઓ સાકાર કરવા માટે મહેનત કરી રહ્યા છે. તેમની સફળતા માટે સમાજ તરીકે આપણે શક્ય તેટલો સહયોગ આપવો જોઈએ. યુવાનો આગળ વધશે તો સમાજ અને દેશ બંને વધુ મજબૂત બનશે.”
તેમણે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવતા આત્મવિશ્વાસ અને સમર્પણ સાથે પરીક્ષા આપવા અનુરોધ કર્યો હતો. સાથે જ કોળી સેના હંમેશા યુવાનોના શિક્ષણ, રોજગાર અને સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ રહેશે તેવી ભાવના પણ વ્યક્ત કરી હતી.આ તકે PI મકવાણા (CID ક્રાઈમ) ,નગરસેવિકા પારૂલબેન ઢાપા, કમલેશભાઈ મકવાણા, રવિભાઇ ગોહેલ, કોળી સેના શહેર પ્રમુખ રાજભાઈ સોલંકી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.




