રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકામાં મેઘમહેર થઈ છે. દક્ષિણ ગુજરાતમાં ફરી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના આંકડા પ્રમાણે, આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો. એક તાલુકામાં 5 ઇંચથી વધારે, એક તાલુકામાં 4 ઇંચથી વધારે, બે તાલુકામાં 3 ઇંચથી વધારે, બે તાલુકામાં 2 ઇંચથી વધારે, 13 તાલુકામાં 1 ઇંચથી વધારે અને 91 તાલુકામાં એક ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. અહીં 24 કલાકમાં 5.75 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
નવસારીમાં 4.80 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ, પલસાણામાં 3.07 ઇંચ, ચીખલીમાં 2.48 ઇંચ, મહુવામાં 2.17 ઇંચ, નાનાપોંઢામાં 1.97 ઇંચ, કપરાડામાં 1.85 ઇંચ, સુરત શહેરમાં 1.73 ઇંચ, બારડોલીમાં 1.73 ઇંચ, ગણદેવીમાં 1.65 ઇંચ, ઉમરપાડામાં 1.54 ઇંચ, વાલોડમાં 1.50 ઇંચ, ઉમરગાવમાં 1.42 ઇંચ, વાપીમાં 1.38 ઇંચ, સિનોરમાં 1.14 ઇંચ, વ્યારામાં 1.10 ઇંચ, કામરેજમાં 1.06 ઇંચ, કાલાલમાં 1.06 ઇંચ, અંબિકામાં 1.02 ઇંચ, ધરમપુરમાં 0.98 ઇંચ, ખેરગામમાં 0.98 ઇંચ, ડોલવણમાં 0.98 ઇંચ, વલસાડમાં 0.98 ઇંચ, ચીખદામાં 0.94 ઇંચ, સાગબારામાં 0.91 ઇંચ, સોનગઢમાં 0.75 ઇંચ, માંગરોળમાં 0.71 ઇંચ, લીંબડીમાં 0.71 ઇંચ, ઓલપાડમાં 0.67 ઇંચ, મેંદરડામાં 0.67 ઇંચ વરસાદ વરસ્યો હતો.હવામાન વિભાગ પ્રમાણે,આજે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા,સુરત, તાપી, નવસારી, ડાંગ, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલીના કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સારબકાંઠા, મહેસાણા, પાણટ, બનાસકાંઠા, વાવ થરાદમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે, 21 જુલાઈની આસપાસ બંગાળના ઉપસાગરમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. તેના પ્રભાવથી 21થી 25 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો વરસાદ થવાની શક્યતા છે. તેમના અનુમાન મુજબ, મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા અને મહિસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં સારા વરસાદની શક્યતા છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. 26થી 30 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ વરસાદનું જોર વધશે, જેમાં કચ્છ, પોરબંદર અને દ્વારકામાં સારો વરસાદ પડી શકે છે, જ્યારે જામનગરમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થઈ શકે છે. સમગ્ર ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં સારો વરસાદ રહેવાની સંભાવના છે અને કેટલાક વિસ્તારોમાં 4 ઇંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે.





