અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતાના નિયમો કડક કરવા 2 નવા આદેશો જારી કર્યા છે. સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિકતા ન આપવાના ટ્રમ્પના આદેશને રદ કર્યો હતો. છતાં, ટ્રમ્પે ‘બર્થ ટૂરિઝમ’ અને આતંકવાદ સંબંધિત માતા-પિતાના બાળકોને અમેરિકન નાગરિકતા ન આપવાનો નિર્ણય કર્યો છે. વ્હાઇટ હાઉસે આ નિયમ વિદેશી સરકારો માટે લોબિંગ કરનારા લોકોના બાળકો પર પણ લાગુ પડશે તેમ જણાવ્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે જન્મથી મળતી નાગરિકતા (બર્થરાઇટ સિટીઝનશિપ)ના નિયમોને કડક બનાવવા માટે બે નવા આદેશો જાહેર કર્યા છે. આ અગાઉ અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના એ આદેશને રદ કરી દીધો હતો, જેમાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના બાળકોને નાગરિકતા આપવાની મનાઈ કરવામાં આવી હતી. જોકે, સુપ્રીમ કોર્ટના આ ચુકાદા સામે ઝૂકવાને બદલે ટ્રમ્પે હવે બે નવા આદેશો જારી કરીને કોર્ટના નિર્ણયને પલટાવવાનો પ્રયાસ કર્યો છે.
ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા આદેશોમાંથી પહેલો આદેશ ‘બર્થરાઇટ સિટીઝનશિપ’ને નિશાન બનાવે છે. આ આદેશ અનુસાર, જે મહિલાઓ માત્ર બાળકને જન્મ આપવાના હેતુથી ટૂરિસ્ટ વીઝા પર અમેરિકા આવે છે જેથી તેમનું બાળક જન્માક્ષેત્રના આધારે ઓટોમેટિક અમેરિકન નાગરિક બની જાય, તેવા બાળકોને હવે નાગરિકતા આપવામાં આવશે નહીં. આવી પ્રક્રિયાને ‘બર્થ ટૂરિઝમ’ તરીકે ઓળખવામાં આવે છે.
બીજા આદેશ મુજબ, જે બાળકોના માતા-પિતાનો સંબંધ આતંકવાદ સાથે હોય તેમને પણ અમેરિકન નાગરિકતા મળશે નહીં. આ ઉપરાંત, વિદેશી સરકારોના રાજદૂતો, સરકારી કર્મચારીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં કામ કરતા લોકોના અમેરિકામાં જન્મેલા બાળકોને પણ નાગરિકતાથી વંચિત રાખવામાં આવશે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઑફ સ્ટાફ સ્ટીફન મિલરે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમ વિદેશી સરકારો માટે લોબિંગ કરનારા લોકોના બાળકો પર પણ લાગુ થશે.






