સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં ડૂબી જવાથી ત્રણ સગીરોના મૃત્યુ નીપજ્યા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા ભારે જહેમત બાદ ત્રણેય સગીરોના મૃતદેહોને ધોળીધજા ડેમમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.ત્રણેય સગીરના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના તેજસ, શ્રેય અને મહેશ નામના સગીરો અન્ય 2 મિત્રો સાથે ગઈકાલે સાંજે ધોળીધજા ડેમામાં ન્હાવા માટે ગયા હતા. આ દરમિયાન ત્રણ સગીરો ડેમમાં ન્હાવા માટે કૂદ્યા હતા, જ્યારે બે બહાર બેસીને મોબાઈલમાં ગેમ રમી રહ્યા હતા. આ દરમિયાન ડેમમાં ન્હાવા પડેલા ત્રણેય સગીરો એકાએક પાણીમાં ડૂબી ગયા હતા. જેથી મોબાઈલમાં ગેમ રમી રહેલા મિત્રો દ્વારા આ અંગેની જાણ ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી.જે બાદ પોલીસ અને ફાયરની ટીમ ધોળીધજા ડેમ ખાતે દોડી આવી હતી.
ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ડેમમાં સગીરોનો શોધખોળ હાથ ધરાઈ હતી, રાત પડી ગઇ હોવાથી અને ડેમમાં 18 ફૂટ પાણી હોવાથી ફાયર બ્રિગેડના જવાનોએ ઓપરેશન જોખમી હોવાથી પડતું મૂકીને બહાર નિકળી ગયા છે અને વહેલી સવારથી ફરીથી ઓપરેશન શરૂ કર્યું હતું.




