મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. મુખ્યમંત્રી ઠાકરેએ પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્યોને ભાવુક અપીલ કરવા છતા શિવસેનાના નારાજ ધારાસભ્યોનો આંકડો વધી રહ્યો છે. બુધવારે રાત્રે શિવસેનાના વધુ 4 ધારાસભ્યો ગુવાહાટીમાં શિંદે જૂથને મળ્યા છે. એટલું જ નહીં 2 વધુ ધારાસભ્યો આજે ગુવાહાટી જઇ શકે છે.
બુધવારે રાત્રે અંદાજે 8 વાગ્યે શિવસેનાના 4 ધારાસભ્યો ગુવાહાટીમાં હાલ Radisson Blu હોટલમાં રોકાયા છે. આ હોટલમાં એકનાથ શિંદે બાકી બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે. માહિતી અનુસાર, 4 ધારાસભ્યો મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલની સાથે સુરતથી ગુવાહાટી માટે રવાના થયા હતા. ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે.આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુદાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવાનકર પણ શિંદે કેમ્પમાં પહોંચી શકે છે. મહારાષ્ટ્ર શિવસેનાના બળવાખોર ધારાસભ્યો ગુવાહાટીમાં રોકાયા છે. ત્યારે એકનાથ શિંદે હોટલમાં ધારાસભ્યો સાથે સતત બેઠક કરી રહ્યાં છે. તેવામાં હવે ધારાસભ્યો સાથેની શિંદેની ચર્ચાનો વીડિયો આવ્યો સામે છે.
શિંદે જુથના 34 ધારાસભ્યોએ હસ્તાક્ષરવાળી ચિઠ્ઠી ગવર્નર ભગતસિંહ કોશ્યારીને મોકલાયો છે. ચિઠ્ઠીમાં કહેવામાં આવ્યું છે કે, એકનાથ શિંદે જ શિવસેના ધારાસભ્ય દળના નેતા છે. ભરત ગોગાવલેને નવા ચીફ વ્હિપ પસંદ કરાયા છે. શિવસેનાએ મંગળવારે શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવી દીધા હતા.