કોલકાતાની આરજી કર હોસ્પિટલમાં ટ્રેઈની ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કેસમાં સિયાલદહ કોર્ટ આજે પોતાનો ચુકાદો સંભળાવશે. CBIએ 7 ઓક્ટોબર 2024ના રોજ આરોપી સંજય રાય વિરુદ્ધ ચાર્જશીટ રજુ કરી હતી. કોર્ટે 9 જાન્યુઆરીએ સુનાવણી પૂરી કરી હતી. CBIએ આરોપી સંજયને ફાંસીની સજાની માંગ કરી છે.
8-9 ઓગસ્ટની રાત્રે આરજી કર હોસ્પિટલમાં એક ડૉક્ટર યુવતી પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ કેસમાં 10 ઓગસ્ટના રોજ સંજય નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જેના કારણે આક્રોશ અને નારાજગી સાથે દેશભરમાં લાંબા સમય સુધી વિરોધ પ્રદર્શનો થયા હતા.
આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈએ 10 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે સિયાલદહ ટ્રાયલ કોર્ટમાં સોમવારથી ગુરુવાર સુધી દરરોજ સુનાવણી ચાલી રહી છે. ફરિયાદ પક્ષના 81 સાક્ષીઓમાંથી 43 સાક્ષીઓની પૂછપરછ કરવામાં આવી છે.
25 ઓગસ્ટે CBIએ સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. અધિકારીઓએ તેમની લગભગ 3 કલાક પૂછપરછ કરી હતી. સંજય સહિત કુલ 10 લોકોનો અત્યાર સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં આરજી કારના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ, ASI અનુપ દત્તા, 4 સાથી ડોક્ટર, એક વોલેન્ટિયર અને બે ગાર્ડનો સમાવેશ થાય છે.