એક બાજુ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે ત્યારે દરિયો પણ તોફાની બનશે તો ભારે તાબાહી સર્જાઈ શકે છે. તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે, કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ડ જાહેર કરવામાં આવ્યું છે.
અષાઢમાં મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કર્યું, અને સંકટમાં મૂકાઈ ગઈ છે લાખો જિંદગી. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં જે રીતે બે દિવસથી મેઘરાજા કોપાયમાન બન્યા છે એ પ્રકોપ વચ્ચે ફસાયેલા લોકો સ્થાનિક તંત્ર અને NDRF, SDRFની મદદથી સલામતીની શોધમાં છે ત્યાં જ હવામાન વિભાગે વ્યક્ત કરી છે એક ખતરનાક આશંકા. વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં લોકમાતાનું પાણી ક્યાંય સમાતું નથી. ત્યાં જ દરિયાદેવે ડર પેદા કર્યો છે. દક્ષિણ ગુજરાતનો દરિયો 13 જુલાઈથી તોફાની બની શકે છે. 3 દિવસ સુધી દરિયામાં ઉંચી ઉંચી લહેરો ઉઠી શકે છે. જો એવું થશે તો દક્ષિણ ગુજરાતના નદીકાંઠાના વિસ્તારોની હાલત વધુ કફોડી બની શકે છે. કારણ કે એક તરફ ઓરંગા, દમણગંગા, કાવેરી, અંબિકા, પૂર્ણા, પાર સહિતની નદીઓ જોરદાર તાંડવ મચાવી બધુ જ તાણી જવા પર ઉતારુ થઈ છે. ત્યારે 13 જુલાઈથી દરિયામાં ઝટકો આપતો કરંટ જોવા મળી શકે છે. પરિણામે નદીઓનું પાણી સમુદ્રમાં સમાશે નહીં અને કાંઠા વિસ્તારને ડૂબાડી શકે છે.