સૌરાષ્ટ્રમાં દૂધાળા પશુઓમાં અને ખાસ કરીને ગાયોમાં લમ્પી સ્કિન ડિસીઝ વાઇરસ પ્રસરી રહ્યો હોઇ, એક તબક્કે પશુધન પર ખતરો મંડરાઇ રહ્યો છે, છેલ્લા કેટલાક વખતમાં જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાના ગામડાંઓમાં ગાયોમાં લમ્પી વાઇરસનો ઉપદ્રવ જાેવા મળ્યો છે. હવે આ વાયરસ ભાવનગર જિલ્લામાં પણ પહોંચી ગયો છે. ભાવનગર જિલ્લામાં જુલાઇના પ્રથમ અઠવાડીયાથી લમ્પી વાયરસના કેસો સામે આવી રહ્યા છે.
ગારિયાધારના મોટી વાવડી ગામે ૧૯ પશુમાં લમ્પી વાયરસે દેખા દીધા છે તે પૈકી એક ગાયનું મોત થયું છે. જ્યારે સૌથી વધુ કેસ ઉમરાળા તાલુકાના ચાર ગામોમાં અત્યાર સુધી જાેવા મળ્યાનું ભાવનગર જિલ્લા પંચાયતના પશુ વિભાગના અધિકારી ડો.કલ્પેશ બારૈયા પાસેથી જાણવા મળ્યું છે.
ઉપલબ્ધ વિગતો મુજબ ઉમરાળાના ધરવાળામાં ૩૭, લીમડામાં ૭, જાળીયામાં ૨૫ અને ખીજડીયા ગામમાં ૮ પશુમાં લમ્પી વાયરસ જાેવા મળ્યો છે. હાલમાં તંત્ર દ્વારા આ ગામોમાં તમામ ગૌવંશને રસીકરણ હાથ ધરાયું છે અને અત્યાર સુધીમાં ૧૧૫૭ પશુઓને રસીકરણ કરાયું છે. જ્યારે લમ્પી વાયરસના સકંજામા આવેલી પશુઓની સઘન સારવાર ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, લમ્પી વાયરસ માત્ર ગાયોમાં જ જાેવા મળે છે.