યુરોપ અને વિશ્વના 7 દેશ અત્યારે ભીષણ ગરમીનો સામનો કરી રહ્યા છે. બ્રિટનના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ અગાઉ છેલ્લે સૌથી વધારે તાપમાન 39.1 ડિગ્રી વર્ષ 2019માં નોંધવામાં આવ્યું હતું. અહેવાલ પ્રમાણે ફ્રાંસ, ઈટાલી, પોર્ટુગલ, સ્પેન અને ગ્રીસમાં ગરમી સતત તેનું ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. હીટવેવને લીધે જંગલોમાં આગ લાગવાની અસંખ્યા ઘટના બની રહી છે. તેને લીધે ગરમીનું જોર ઓર વધી ગયું છે. એક સપ્તાહમાં સ્પેન તથા પોર્ટુગલમાં 1700થી વધારે લોકોના મોત થયા છે.
બ્રિટનમાં પણ ગરમીને લીધે માર્ગો પર ડામર પિગળી રહ્યો છે. શાળાઓ બંધ કરવામાં આવી છે. બ્રિટનના લિંકનશાયર અને હીથ્રો એરપોર્ટ પર પણ મંગળવારે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. 33 સ્થળો પર આ પારો 38.7 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. હવામાન વિભાગે રાજધાની લંડન સહિત મધ્ય, ઉત્તર અને દક્ષિણ-પૂર્વી ઈગ્લેન્ડના અનેક વિસ્તારોમાં હીટવેવ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
લંડનના અનેક વિસ્તારોમાં રેલવે સેવાઓ પર માઠી અસર થઈ છે. મિડલેન્ડ્સ રેલવેએ લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરી છે. રેલવેનું કહેવું છે કે રેલવે ટ્રેક આમ તો હવાની તુલનામાં 20 ડિગ્રી વધારે ગરમ હોય છે. તાપમાન વધશે તો ફરી આ ટ્રેક વળી (બેન્ડ) જશે. લંડનમાં ટ્રેનોની 200 કિમી પ્રતિ કલાક ઝડપથી દોડે છે. બે દિવસમાં હીટવેવને લગતી ઘટનામાં 10 લોકોના મોત થયા છે.
ફાયર બ્રિગેડ ટીમને અનેક જગ્યાએ આગ લાગવાની ઘટના મળી છે. પૂર્વી લંડનના વેનિંગ્ટનમાં પણ ભીષણ આગ લાગી છે. અહીં અનેક ઘરોમાં આગ લાગી છે. લ્યૂટૉન એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશન રનવેનું સમારકામ કર્યાં બાદ શરૂ થયું હતું.