બોટાદના બરવાળા અને અમદાવાદના ધંધુકા પંથકમાં લઠ્ઠાકાંડની ઘટનામાં અસરગ્રસ્ત ૬૫ જેટલા લોકોને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી દસ દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હોવાનું જાણવા મળ્યું છે ભાવનગર લાવવામાં આવેલ અસરગ્રસ્તો પૈકી એક વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે.
બોટાદના બરવાળા તાલુકાના રોજીદ સહિતના ગામના લોકોએ દારૂ પીધા બાદ તબિયત લથડતા તેમને સારવાર માટે બરવાળા બોટાદ અને ધંધુકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખસેડવામાં આવેલ દર્દીઓના મૃત્યુનો સિલસિલો શરૂ થતા ભાવનગર હોસ્પિટલની મેડિકલ ટીમ જરૂરી દવા,સાધનો સાથે બોટાદ દોડી ગઈ હતી,આ ઉપરાંત રેન્જ આઈ.જી.પણ બોટાદ દોડી ગયા હતા. બોટાદ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા સતત વધતા ગંભીર અસરગ્રસ્તોને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા.ગઈ કાલ મોડી સાંજથી દર્દીઓને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા આજ બપોર સુધીમાં ૬૫ જેટલા દર્દીઓને ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે એક દર્દીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
ભાવનગર ખસેડવામાં આવેલ અસરગ્રસ્તો પૈકી ગઈ કાલ મોડી સાંજ સુધીમાં ચાર અને ત્યાર બાદ આજે બપોર સુધીમાં વધુ ૬ વ્યક્તિઓના મોત થતા ભાવનગર હોસ્પિટલમાં કુલ ૧૦ દર્દીઓના મોત થયા હતા.
ગઈ કાલ મોડી સાંજથી જ દર્દીઓને લઈને આવી રહેલી એક પછી એક એમ્બ્યુલન્સના પગલે હોસ્પિટલમાં આખી રાત દોડધામભરી સ્થિતિ જોવા મળી હતી. હોસ્પિટલના તબીબો સહિતના સ્ટાફ તેમજ તંત્રએ પણ ખડે પગે સેવા કરી દર્દીઓને તાત્કાલિક સારવાર મળે તેવા પ્રયત્નો કર્યા હતા.
સર ટી.હોસ્પિટલમાં અસરગ્રસ્ત લોકોની આવકના પગલે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, ઉપરાંત પોલીસ અધિકારીઓ પણ હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.