ભાવનગર મહાપાલિકાની ચાલુ માસની સાધારણ સભા આજે સાંજે ૪ કલાકે મેયર કિર્તીબેન દાણીધારીયાના અધ્યક્ષસ્થાને મળશે. જેમાં જુદા જુદા ૧૭ તુમારો રજૂ કરી નિર્ણય કરાશે. સાધારણ સભામાં વિપક્ષ નેતા અને સભ્યએ ત્રણ પ્રશ્નો ઉઠાવ્યા છે જે તંત્ર પર ભીસ વધારશે તથા ખોટા વાયદાઓને ખુલ્લા પાડશે તેમ અનુમાન છે !
મહાપાલિકાની સાધારણ સભામાં વિપક્ષ નેતા ભરતભાઇ બુધેલીયાએ નવા બંદર રોડ પર કંસારા બ્રીજ તથા અન્ય નાળુ સાંકડુ છે તેને વિકસાવવા કોઇ આયોજન છે કે કેમ ? તે પ્રશ્ન ઉઠાવ્યો છે. આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા ફાયર સેફ્ટી અમલીકરણમાં કોમર્શીયલ અને રેસીડન્ટ કેટલી મિલ્કતોને સીલ લાગ્યા તેના નામ-સરનામા સાથેની વિગતો માંગી છે. આ ઉપરાંત ફાયર સેફ્ટી માટેના માપદંડ-નિયમો અને અમલીકરણને લગતી વિગતો પુછી છે. તંત્રવાહકોએ ફાયર સેફ્ટી મામલે મનમાની કરી છે ત્યારે વિપક્ષના અણીયાળા સવાલો ચોક્કસ તંત્રને મુંઝવણમાં મુકશે. જ્યારે પૂર્વ વિપક્ષી નેતા જયદિપસિંહે છેલ્લા ૭ વર્ષમાં મહાપાલિકાએ કેટલી કંપની અને સંસ્થાઓ સાથે એમઓયુ કર્યાં અને તેમાં હાલની સ્થિતિ શું છે તે પ્રશ્ન ઉઠાવ્યો છે. વિધાનસભા ચૂંટણી માથા પર છે ત્યારે વિપક્ષ જુદા જુદા મુદ્દે સવાલો ઉઠાવી ખોટા વાયદાઓ ખુલ્લા પાડવા મથતું હોય તેમ જણાઇ રહ્યું છે. જાે કે, તંત્ર શું જવાબ આપે છે તે જાેવું રહ્યું.
૧૫ હજારમાં હેરીટેજ ટાઉનહોલ ભાડે મળશે, જાે કે લગ્ન કે જમણવાર નહીં થઇ શકે !
ભાવનગરની આગવી ઓળખ મોતીબાગ ટાઉનહોલને અસલ ઓળખ જાળવી રાખી રિનોવેટ કરાયો છે. મોતીબાગ ટાઉનહોલને હવે આગામી દિવસોમાં સામાજિક પ્રસંગોમાં ભાડે અપાશે. આજે સાધારણ સભામાં આ અંગે નિર્ણય થશે. પ્રાપ્ત માહિતી મુજબ ટાઉનહોલને બે સીફ્ટમાં ભાડે અપાશે જેમાં સવારથી બપોરમાં ૧૨ હજાર અને સાંજે સાંજથી રાત્રિની સીફ્ટમાં ૧૫ હજાર ભાડુ નિયત કરાયું છે. આ ઉપરાંત ૧૮ ટકા જીએસટી વસુલાશે. દરેક સામાજિક પ્રસંગમાં ટાઉનહોલ નગરજનોને ભાડે મળી રહેશે પરંતુ લગ્નમાં અગ્ની પ્રજ્જવલીત કરવાની હોવાથી ટાઉનહોલ ભાડે નહીં અપાય. રિનોવેટ બાદ ટાઉનહોલને સેન્ટ્રલી એસી કરાયો છે આ કારણે અગ્ની પ્રજ્જવલીત કરવાની હશે તેવા પ્રસંગો નહીં થઇ શકે. આ ઉપરાંત ટાઉનહોલનો ખાણીપીણી માટે ઉપયોગ નહીં થઇ શકે, પ્રસંગો માટે ટાઉનહોલ ભાડે રાખનારે ભોજન સમારંભ રાખવો હોય તો બાજુના ઓપનએર થિયેટરને પણ ભાડે લેવુ પડશે અથવા પોતાની રીતે અન્યત્ર જગ્યાએ વ્યવસ્થા કરવી પડશે.