જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ અગાઉના વર્ષોની સાપેક્ષ હવે જૂજ ગરીબ પરિવારોને જ આપવામાં આવતાં વાદળી કેરોસીનમાં આ મહિને ૧૩ રૂપિયાથી પણ વધુનો કમ્મરતોડ ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ સાથે જ હવે ભાવનગર શહેર જિલ્લામાં પ્રતિ લિટર કેરોસીન ૧૦૦ રૂપિયાને પાર કરી ગયું છે, જે દામ ડીઝલ અને પેટ્રોલ કરતાં પણ વધુ છે.
ભાવનગરમાં આઈઓસીએલ એન્ડ બીપીસીએલ એમ કોયલી અને કંડલા ટર્મિનલ પરથી કેરોસીન આવે છે. બંને જગ્યાએથી આવતા કેરોસીનમાં ભાવમાં અમુક પૈસાનો તફાવત રહે છે. કંડલાથી આવતા કેરોસીનના ભાવ પર એક નજર કરીએ તો જૂનમાં લઘુતમ ભાવ રૂા. ૮૬ અને મહત્તમ ભાવ રૂા. ૮૭ આસપાસ રહ્યા બાદ હવે આ મહિને રૂ.૧૦૦ને પાર થઈ જવા પામ્યા છે.
ઓઈલ કંપનીઓને પેટ્રોલ- ડીઝલના ભાવમાં પણ ફેરફાર કરતાં રહેવાની છૂટ મળ્યા બાદ છેલ્લા થોડા વર્ષોથી રાશનનાં કેરોસીનમાં ઉતરોત્તર ભાવવધારો થતો આવ્યો છે. સમાંતરે, ઉજ્જવલા યોજના અન્વયે મફત ગેસ જાેડાણો અપાયાં હોવાનાં બહાને સરકાર રાશનનાં કેરોસીનની ફાળવણી સમયાંતરે ઘટાડતી રહી છે. જેમને કનેક્શન મળ્યાં છે તેમને રાંધણગેસનો મોંઘો બાટલો ખરીદવો પરવડતો નથી. લાભાર્થીઓની સંખ્યા પણ સરકારી તંત્ર સરકારનાં દબાણ મુજબ ઘટાડતું જાય છે.
ભાવનગર શહેર જિલ્લામાં કેરોસીનનો ક્યાં કેટલો ભાવ..?
ભાવનગરમાં ૧ જુલાઈથી પ્રતિલીટર રાશનનું કેરોસીન રૂ.૧૦૧.૭૪ પૈસા મળી રહ્યું છે, ગારિયાધારમાં રૂ. ૧૦૧.૫૬, ઘોઘામાં ૧૦૨.૦૮, મહુવામાં ૧૦૨.૫૫, પાલિતાણામાં ૧૦૯.૯૧, સિહોરમાં ૧૦૧.૬૫, તળાજામાં ૧૦૨.૪૩, ઉમરાળામાં ૧૦૧.૫૦, વલભીપુરમાં ૧૦૧.૩૫, જેસર ૧૦૨.૩૪ પૈસાનો ભાવ છે. પર લીટર ૫% જીએસટી સાથેનો આ ભાવ છે.