સૌરાષ્ટ્રમાં ભુકંપની નવી ફોલ્ટ લાઈન સક્રિય થઈ છે આજે રાજકોટ, તાલાલા, મોરબી અને દૂધઈ પંથકમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો છે. હળવા ભૂકંપના કારણે ક્યાંય જાનહાનીના અહેવાલ મળ્યા નથી. રાજકોટમાં ભૂકંપનો 2.8ની તિવ્રતાનો આંચકો અનુભવાયો હતો. બહુમાળી ઈમારતમાં રહેતા લોકોએ ભૂકંપના આંચકાની અનુભુતી કરી હતી. ભૂકંપના આંચકાથી બહુમાળી ઈમારતના બારી-દરવાજા ખળભળી ઉઠ્યા હતા. આંચકાનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 26 કિલોમીટર દૂર નોંધાયુ હતું અને જમીનમાં 4.9 કિ.મી.ની ઉંડાઈએ ભૂકંપ નોંધાયો હતો.
તાલાલામાં સવારે 9.47 કલાકે 2.2ની તિવ્રતાનો આંચકો નોંધાયો હતો જેનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 11 કિ.મી. દૂર નોંધાયું હતું ભૂકંપના આંચકાની ગ્રામ્ય વિસ્તારોમાં વધુ અસર વર્તાઈ હતી. જો કે એકપણ જગ્યાએથી જાનહાનીના સમાચાર મળ્યા નથી. આ ઉપરાંત મોરબીમાં પણ સવારે 9.33 કલાકે 1.8ની તિવ્રતાનો હળવો આંચકો અનુભવાયો હતો. બહુમાળી ઈમારતોમાં રહેતા લોકોના બારી-દરવાજા ખખડી ઉઠ્યા હતા. ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ મોરબીથી 14 કિમી દૂર નોંધાયું હતું. જ્યારે કચ્છના દૂધઈમાં પણ મધ્ય રાત્રીના 1.34 કલાકે 2.3ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. મીઠી નિંદર માણી રહેલા લોકોએ ભૂકંપના આંચકાનો અનુભવ કર્યો હતો અને ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપના આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 13 કિ.મી. દૂર નોંધાયું હતું.