ભાવનગરમાં વાહનોમાંથી સ્પેરપાર્ટ ચોરતી ગેંગ સક્રિય થઇ હોય તેમ શિવાજી સર્કલ,ગાયત્રી નગર વિસ્તારમાં પાર્ક કરેલા બાઇકમાંથી વ્હીલની ચોરીની ઘટના અંગે એસ.ઓ.જી.એ કાર્યવાહી કરી ચોરી કરનાર શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.
ભાવનગરના ગાયત્રીનગર, સમર્પણ સોસાયટીમાં રહેતા બળભદ્રભાઈ રવિશંકરભાઈ રાવલે ભારતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે,ગત રાત્રીના પોતે પોતાનું હીરો હોન્ડા મોટરસાઇકલ ઘર પાસે પાર્ક કર્યું હતું અને સવારના સમયે પોતે કામ અર્થે બહાર જવા નીકળ્યા ત્યારે મોટર સાઇકલના આગળ અને પાછળના બંને વ્હીલ કોઈ ઈસમો કાઢી ગયા હતા.
આ અંગે આજુંબાજુમા તપાસ કરતા બાજુની શિવશક્તિ સોસાયટીમાં રહેતા ઉદયભાઈ અરવિંદભાઈ મહેતાના મોટર સાઇકલમાંથી પણ કોઈ શખ્સો બંને વવ્હીલ કાઢી ગયા હોવાનું જાણવા મળેલ.
આ ઘટના અંગે બલભદ્રભાઈએ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અંગે એસ.ઓ.જી.પોલીસે ગાયત્રીનગર, શ્રદ્ધા ગ્રૂપ ટ્યુશનવાળા બંગલા પાસેથી ધર્મેશ ઉર્ફે ભૂરો મુકેશભાઈ બારૈયા રહે.પારુલ સોસાયટી, ઘોઘારોડને ચોરી કરેલ મોટર સાઈકલના ૬ મેગવ્હીલ, ટૂલ્સ મળી રૂ.૬૪૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.